સોશિયલ મીડિયા બન્યું દુશ્મનનું નવું હથિયાર! સાયબર એટેક અને ડ્રોન પડકારો વચ્ચે રાજનાથ સિંહનું સેનાને મહત્ત્વપૂર્ણ સંબોધન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિલીગુડી ખાતે ભારતીય વાયુસેના અને સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. બાગડોગરા એરફિલ્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં જવાનો અને તેમના પરિવારોને દિવાળીની શુભકામનાઓ આપતાં તેમણે બદલાતા યુદ્ધના સ્વરૂપ અને સુરક્ષા પડકારો વિશે મહત્ત્વપૂર્ણ સંબોધન કર્યું હતું.
યુદ્ધનું બદલાતું સ્વરૂપ અને નવો પડકાર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, 'વર્તમાન સમયમાં યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ તેનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે પ્રોક્સી વોર, નેરેટિવ મેનેજમેન્ટ, ડ્રોન હુમલા અને સાયબર એટેક જેવા પડકારો સતત વધી રહ્યા છે. દુશ્મન દેશો હવે સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને ભ્રામક અફવાઓ ફેલાવવાનો અને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે એક મોટો પડકાર છે.'
જવાનોને સતર્ક રહેવા અને ટેકનોલોજી અપનાવવા સૂચન
આવી સ્થિતિમાં જવાનોની જવાબદારી અનેકગણી વધી જાય છે તેમ જણાવતા રાજનાથ સિંહે જવાનોને દરેક પરિસ્થિતિમાં સતર્ક રહેવાની સલાહ આપી હતી. રાજનાથ સિંહે ડ્રોન ઓપરેશન શીખવા અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવાની જવાનોની પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 'ટેકનોલોજી ગમે તેટલી વિકસિત થાય, પરંતુ તે જવાનોના શિસ્ત અને સમર્પણનું સ્થાન લઈ શકતી નથી.'
સ્થાનિક લોકો સાથે જોડાણ અને વ્યૂહાત્મક મહત્ત્વ
સિલીગુડી અને પૂર્વોત્તર ક્ષેત્રને દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાવતા રાજનાથ સિંહે કહ્યું કે, 'અહીં તૈનાત વાયુસેનાના જવાનો સમગ્ર પ્રદેશ માટે મજબૂત ઢાલ સમાન છે. જવાનોએ સ્થાનિક લોકો સાથે સતત જોડાણ જાળવી રાખવું જ જોઈએ, જેથી દુશ્મનની પ્રવૃત્તિઓ અને ઈરાદાઓ વિશે સમયસર સચોટ માહિતી મળી શકે.' કાર્યક્રમ દરમિયાન તેમણે નવનિયુક્ત એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતને પણ નવો પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.












