બિગ બઝારના માલિક કિશોર બિયાણી સામે ₹904 કરોડની બેંક છેતરપિંડીનો કેસ, CBIના દરોડા

બિગ બઝારના માલિક કિશોર બિયાણી સામે ₹904 કરોડની બેંક છેતરપિંડીનો કેસ, CBIના દરોડા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ફ્યુચર રિટેલ લિમિટેડના પ્રમોટર કિશોર બિયાણીની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ તેમની સામે રૂ. 904.32 કરોડની કથિત બેંક છેતરપિંડીના મામલે FIR નોંધાવી છે. આ કેસમાં તેમના ભાઈ રાકેશ બિયાણી અને ફ્યુચર રિટેલ લિમિટેડના અન્ય જવાબદાર વ્યક્તિઓનાં નામ પણ સામેલ કરવામાં આવ્યાં છે. શુક્રવારે CBIની ટીમે મુંબઈમાં કિશોર બિયાણી સાથે જોડાયેલાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

SBIની ફરિયાદના આધારે કેસ નોંધાયો

CBIના જણાવ્યા અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની મુંબઈ સ્થિત સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ બ્રાન્ચ-3 દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ફ્યુચર રિટેલ લિમિટેડ, તેના પ્રમોટર્સ, મેનેજિંગ ડિરેક્ટર્સ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અને ગેરંટર્સ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ કેસમાં કિશોર બિયાણી, રાકેશ બિયાણી, અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જાહેરાત

નવ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી પણ લીધાં હતાં ધિરાણ

CBIની ફરિયાદ મુજબ, આરોપીઓએ SBI ઉપરાંત નવ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી પણ ક્રેડિટ સુવિધા મેળવી હતી. જોકે, બેંકો દ્વારા મંજૂર કરવામાં આવેલી લોનની રકમ જે હેતુ માટે આપવામાં આવી હતી, તેના બદલે અન્ય હેતુઓ માટે વાપરવામાં આવી હોવાનો આરોપ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ફ્યુચર રિટેલે બેંક પાસેથી મેળવેલા નાણાં તેની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ અને સંસ્થાઓ મારફતે ડાયવર્ટ કર્યા હતા. આ રીતે નાણાંની ઉચાપત કરીને બેંકને રૂ. 904.32 કરોડનું કથિત નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

મુંબઈમાં દરોડા, દસ્તાવેજો જપ્ત

CBIએ 4 નવેમ્બરે આ મામલે FIR નોંધી હતી. ત્યારબાદ શુક્રવારે મુંબઈમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન તપાસને લગતા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવતાં એજન્સીએ તેને જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ફ્યુચર રિટેલ બિગ બઝાર (Big Bazaar), ફેશન એટ બિગ બઝાર અને ફૂડહોલ જેવી જાણીતી રિટેલ બ્રાન્ડ્સનું સંચાલન કરતી હતી. હાલ CBI સમગ્ર કથિત કાવતરાની તપાસ કરી રહી છે. લોનની રકમ ક્યાં વપરાઈ, તેમાં કોની કેટલી ભૂમિકા હતી અને સરકારી કર્મચારીઓની સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. કંપની તરફથી આ મામલે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત