દક્ષિણી રાજ્યોમાં 'ઓપરેશન લોટસ'? ભાજપે કોંગ્રેસી ધારાસભ્યોને તોડવા 50 કરોડની ઓફર કર્યાનો સિદ્ધારમૈયાનો દાવો
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ લોકસભા ચ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણી રાજ્યોમાં 'ઓપરેશન લોટસ' ચલાવવાના પ્રયાસોમાં છે. તેમણે દાવો કર્યો કે, ભાજપે સત્તારૂઢ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે 50 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જોકે અમારા નેતાઓએ તે ફગાવી દીધી છે.
ભાજપ નેતાઓનું કહેવું છે કે, જો કોંગ્રેસ કર્ણાટકમાં લોકસભા ચૂંટણી હારી જશે તો સિદ્ધાર મૈયાની સરકાર પડી જશે. આ અંગે સવાલ કરતા સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાજપ છેલ્લા 1 વર્ષથી મારી સરકાર પાડવા માટે પ્રયાસ કરી રહી છે. અમારા ધારાસભ્યોને 50 કરોડની ઓફર થઈ. એમણે પૂરતા પ્રયાસો કર્યા પણ અસફળ રહ્યા.
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, 'અમારી સરકાર પાડવી સંભવ નથી. અમારા એક પણ ધારાસભ્ય કોંગ્રેસ કે અમારો સાથ છોડશે નહીં. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર તેનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. જો વિપક્ષી ગઠબંધનને ચૂંટણીમાં પૂર્ણ બહુમતી ન મળે તો પણ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પણ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો નહીં મળે. 'આ વખતે અમે 400 પાર કરીશું'ના ભાજપના સૂત્રથી વિપરીત, સિદ્ધારમૈયાએ આશા વ્યક્ત કરી કે કેન્દ્રમાં ભાજપ વિનાની સરકાર બનશે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર નહીં બને.
સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'મારી જાણકારી મુજબ, ભાજપ સાથે જોડાયેલો સર્વે દર્શાવે છે કે, તેઓ માત્ર 200થી વધુ બેઠકો મેળવી શકશે. તેઓ એકલા હાથે સત્તામાં આવશે નહીં. ચૂંટણી બાદ ફરીથી રાજકીય પક્ષોનું ગઠબંધન થશે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોના અન્ય નેતાઓ સાથે મળીને સરકાર બનાવશે.'
તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ 2014 પછી એકપણ ચૂંટણી વચન પૂરું કર્યું નથી. આ સિવાય બેરોજગારી અને મોંઘવારી બે મુખ્ય મુદ્દાઓ છે, એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન અંગે પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની પાર્ટી કર્ણાટકમાં 15થી 20 બેઠકો જીતશે.






