મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: હિંમત હોય તો સાબરમતીથી લોરેન્સ બિશ્નોઈને કાઢી બતાવો, ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ચેતવણી

સોર્સ: gstv

શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દશેરા રેલીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મુંબઈના દાદર સ્થિત ઐતિહાસિક શિવાજી પાર્કમાં યોજાયેલી રેલીમાં તેમણે લોરેન્સ બિશ્નોઈનો મુદ્દો ઉઠાવી ફડણવીસને પડકાર ફેંક્યો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્રની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા અને ‘અર્બન નક્સલવાદ’ના દાવા અંગે પણ રાજ્ય સરકારને ઘેરીને ઝાટકણી કાઢી હતી.

‘સાબરમતી જેલમાંથી બિશ્નોઈને બહાર કાઢી બતાવો’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના સાગરીતો પાસે 70 હજાર શૂટર હોવાનો દાવો કરવામાં આવે છે. તેમણે ફડણવીસને પડકારતાં કહ્યું હતું કે જો તેમનામાં ખરેખર હિંમત હોય તો સાબરમતી જઈને દિલ્હીમાં બેઠેલા પોતાના બોસની સામે લોરેન્સ બિશ્નોઈને બહાર કાઢીને બતાવે. ત્યાર પછી જ મોટી-મોટી વાતો કરવી જોઈએ. ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે અને તેને ટૂંક સમયમાં રાજકીય પરિણામો ભોગવવા પડશે.

ટાઇગર શ્રોફ પરના હુમલાને લઈને સરકાર પર પ્રહાર

અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા તાજેતરના હુમલાનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ મુખ્યમંત્રી ફડણવીસને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે હુમલા બાદ મુખ્યમંત્રી તરત જ અભિનેતાને મળવા પહોંચી ગયા હતા. જોકે, પોલીસ આરોપીઓને પકડી લે એટલાથી સરકારની કામગીરીની પ્રશંસા કરી શકાય નહીં. ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો કે જો ગોળી જીવલેણ સાબિત થઈ હોત અને ત્યાર બાદ આરોપીઓ પકડાયા હોત તો તેનો શું ફાયદો? નિયમિત સુરક્ષા તપાસ છતાં હુમલાખોરો અંદર કેવી રીતે પ્રવેશ્યા, તે અંગે પણ તેમણે સવાલો કર્યા હતા. તેમના મતે, સરકારનું ધ્યાન જનતાની સુરક્ષા કરતાં પોતાની છબી ચમકાવવા પર વધુ છે.

‘અર્બન નક્સલ’ના દાવા પર સવાલ

રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં મહારાષ્ટ્રને ‘અર્બન નક્સલીઓ’નો ગઢ ગણાવાયો હોવાના દાવા અંગે ઠાકરેએ સવાલ કર્યો હતો કે રાજ્યનાં શહેરોમાં અર્બન નક્સલવાદ ક્યાં છે? તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ગુનેગારો મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા યુવાનોને નક્સલી ગણાવવાના વલણની પણ તેમણે ટીકા કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે રસ્તાઓ અને જંતર-મંતર પર વિરોધ કરી રહેલા યુવાનો નક્સલી નહીં, પરંતુ ક્રાંતિકારી છે. તેમણે અભિજિત દિપકે અને અન્ય યુવા પ્રદર્શનકારીઓ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ વિરોધ 12 વર્ષથી એકઠા થયેલા ગુસ્સાનું પરિણામ છે.

આ સમાચાર શેર કરો