મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ભારતને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે? ભાજપના સુધાંશુ ત્રિવેદીએ ગણાવ્યા ત્રણ એજન્ડા

સોર્સ: gstv

વિજયાદશમીના અવસરે વડાપ્રધાનના સંબોધનને ટાંકીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહેલી શક્તિઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં કેટલીક શક્તિઓ ત્રણ મુખ્ય એજન્ડા સાથે કામ કરી રહી છે: અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરુપયોગ કરી લૂંટ ચલાવવી, સમાજમાં વૈમનસ્ય અને ભાગલા પાડવા, અને ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મ પ્રત્યે ખુલ્લો દ્વેષ રાખવો.

સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે આ એ જ તત્વો છે જે 'સનાતન ધર્મનું ઉન્મૂલન' કરવા પરિષદો યોજે છે અને વૈશ્વિક સ્તરે 'હિન્દુત્વને ખતમ કરવાના' અભિયાનો ચલાવે છે. તેમણે ઉમેર્યું કે ભારતની સંસ્થાઓ સામે સતત ખોટા નેરેટિવ ઊભા કરવામાં આવે છે. "તેમની માંગણીઓ ક્યારેય સાચી હોતી નથી. ક્યારેક તેઓ LIC પર આક્ષેપ કરે છે, તો ક્યારેક HAL, SBI, SEBI, રસીઓ, EVM કે છેવટે મતદાર યાદીઓ પર શંકા ઊભી કરે છે."

રામાયણનું ઉદાહરણ આપતાં તેમણે વિરોધીઓની સરખામણી રાવણ સાથે કરી હતી:

"રાવણના જેમ એક માથું કાપો તો બીજું ઊગી નીકળતું, તેવી જ રીતે આ તત્વોની એક માંગણી સંતોષાય ત્યાં બીજી ઊભી થઈ જાય છે. સમસ્યાનું મૂળ તેના 'નાભિ કેન્દ્ર'માં છે. દરેક જાગૃત નાગરિકે સમજવું પડશે કે આ મૂળ કેન્દ્ર ક્યાં છે. દરેક આંદોલનમાં એક જ પ્રકારની ભાષા અને શબ્દાવલીનો ઉપયોગ તેમની ખરી ઓળખ છતી કરે છે. આ તમામ પ્રવૃત્તિઓ ભારતને નુકસાન પહોંચાડવા મથતી આસુરી શક્તિઓ દ્વારા દોરાઈ રહી છે."

તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું કે જે રીતે રાવણ માતા સીતાનું હરણ કરવા સાધુના વેશમાં આવ્યો હતો, તે જ રીતે આજે પણ કેટલીક શક્તિઓ ભ્રામક વેશ ધારણ કરીને દેશમાં સક્રિય છે. તેમનો વાસ્તવિક ઉદ્દેશ્ય દેશનું ભલું કે સામાન્ય જનતાના પ્રશ્નો નથી, પરંતુ હિંસક સંઘર્ષ અને સુનિયોજિત ષડયંત્રો દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવીને 'રેજિમ ચેન્જ' (સત્તાપલટો) કરવાનો છે.

આ સમાચાર શેર કરો