સરકારની મોટી ભેટઃ લાડલી બહેન બાદ હવે 'લાડલા ભાઈ યોજના', દર મહિને મળશે 10 હજારઃ જાણો શું છે વિશેષતા
મોટે ભાગે સરકારમાં દીકરીઓ અને મહિલાઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. મહિલાઓ માટેની આવી જ યોજ

મોટે ભાગે સરકારમાં દીકરીઓ અને મહિલાઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. મહિલાઓ માટેની આવી જ યોજનાઓમાંની એક લાડલી બહેના યોજના છે. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ સરકારે લાડલી બહન યોજના શરૂ કરીને જોરદાર પ્રતિસાદ મેળવ્યો હતો. ભાજપે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ક્લિન સ્વીપ કર્યું હતું. હવે એ જ રસ્તે મહારાષ્ટ્ર સરકારે છોકરાઓ માટે પણ આવી જ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 'લાડલી બહેન' યોજના પછી રાજ્યના છોકરાઓ માટે 'લાડલા ભાઈ યોજના' શરૂ કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શિંદેનું કહેવું છે કે, તેમના મતે છોકરા-છોકરી વચ્ચે કોઈ તફાવત નથી. છોકરીઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે છોકરાઓ માટે 'લાડલા ભાઈ યોજના'ની જાહેરાત કરવામાં આવી છે. લાડલા ભાઈ યોજનાથી બેરોજગારી તો દૂર થશે જ પરંતુ યુવાનોને કારખાનાઓમાં એપ્રેન્ટીસશીપ અને સરકાર તરફથી સ્કોલરશીપ પણ મળશે.
યોજનાનો શું ફાયદો થશે?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પંઢરપુરમાં 'લાડલા ભાઈ યોજના' અંગે જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર 12મું પાસ કરનારા યુવાનોને દર મહિને રૂ. 6,000, ડિપ્લોમા કરનારા યુવાનોને રૂ. 8,000 અને સ્નાતક યુવાનોને દર મહિને રૂ. 10,000 આપશે.
નોકરીમાં પણ લાભ મળશે
'લાડલા ભાઈ યોજના' હેઠળ યુવક એક વર્ષ માટે કોઈ ફેક્ટરીમાં એપ્રેન્ટિસશીપ કરશે, ત્યારબાદ તેને કામનો અનુભવ મળશે અને તે અનુભવના આધારે તેને નોકરી મળશે. સીએમ શિંદેએ કહ્યું કે, એક રીતે અમે કુશળ માનવબળ તૈયાર કરી રહ્યા છીએ. અમે રાજ્યની સાથે દેશના ઉદ્યોગ જગતને કુશળ યુવાનો આપવા જઈ રહ્યા છીએ. સરકાર યુવાનોને તેમની નોકરીમાં કુશળ બનાવવા માટે ચૂકવણી કરવા જઈ રહી છે.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આ યોજના હેઠળ અમારી સરકાર રાજ્યના યુવાનોને ફેક્ટરીઓમાં એપ્રેન્ટિસશિપ કરવા માટે પૈસા આપવા જઈ રહી છે જ્યાં તેઓ કામ કરશે. ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, કોઈ સરકાર આવી યોજના લાવી હોય. અમે આ યોજના થકી બેરોજગારીનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ યોજના હેઠળ અમારા યુવાનોને કારખાનાઓમાં એપ્રેન્ટિસશીપ મળશે અને સરકાર તેમને સ્ટાઈપેન્ડ આપશે.








