મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીઓને શર્ટ ઉતારવાનો આપ્યો આદેશ, વાલીઓએ નોંધાવી ફરિયાદ

એક ખાનગી શાળાના આચાર્યએ કથિત રીતે શાળાની 80 વિદ્યાર્થિનીઓને મેસેજ લ

શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીઓને શર્ટ ઉતારવાનો આપ્યો આદેશ, વાલીઓએ નોંધાવી ફરિયાદ

એક ખાનગી શાળાના આચાર્યએ કથિત રીતે શાળાની 80 વિદ્યાર્થિનીઓને મેસેજ લખવા માટે તેમના શર્ટ ઉતારવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના 9 જાન્યુઆરીના રોજ ધનબાદ ઝારખંડમાં બની હતી. આજે કેટલાક વાલીઓએ જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ નોંધાવી આ બાબતે કાર્યવાહીની માંગ કરી હતી.

ધનબાદના ડેપ્યુટી કમિશનર માધવી મિશ્રાએ જણાવ્યું હતું કે "જિલ્લા વહીવટીતંત્રે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આ બાબતની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલ્યાણ અધિકારી અને SDPOની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના તારણો પર આધારિત કાર્યવાહી કરવામાં આવશે. અમે શાળા વહીવટીતંત્ર સાથે વાત કરીશું અને અમે યોગ્ય કાનૂની કાર્યવાહી પણ કરીશું. કોઈપણ શાળાનું આવું વર્તન સહન કરવામાં આવશે નહીં." 

ડીસીને કરેલી ફરિયાદમાં, વાલીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા આપ્યા પછી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એકબીજાના શર્ટ પર સંદેશા લખીને 'પેન ડે' ઉજવી રહ્યા હતા. આચાર્યએ આનો વાંધો ઉઠાવ્યો અને વિદ્યાર્થિનીઓને તેમના શર્ટ ઉતારવા કહ્યું. જોકે, બાદમાં તેમણે આ કૃત્ય બદલ માફી માંગી. માતા-પિતાએ ડીસીને જણાવ્યું કે બધી વિદ્યાર્થિનીઓને શર્ટ વિના બ્લેઝર પહેરીને ઘરે પાછી મોકલી દેવામાં આવી છે.

જ્યારે વાલીઓએ શનિવારે આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે ઝારિયાના ધારાસભ્ય રાગિની સિંહ પણ તેમની સાથે ડીસી ઓફિસમાં હાજર હતા. ઝારિયાના ધારાસભ્ય રાગિની સિંહે આ ઘટનાને શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

આ સમાચાર શેર કરો