સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ

સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે તેના રાજીનામાંનો સ્વીકાર પણ કરી લીધો છે. આ અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે માહિતી આપી છે. જણાવી દઈએ કે, સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ભારતના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકો અંગે વિવાદિત રીતે સરખામણી કરી હતી. જોકે, સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ રાખી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે તે તેમનું અંગત નિવેદન છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી હતી. X(ટ્વિટર) પર લખ્યું કે, પિત્રોડાએ પોતાની ઇચ્છાથી રાજીનામું આપ્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
શું કહ્યું હતું સામ પિત્રાડાએ?
સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે 'આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.' ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે 'આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.' પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.






