લોકસભા ચૂંટણી વચ્ચે શેરબજારમાં રેકોર્ડ તૂટ્યો, સેન્સેક્સ 75000ને પાર
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં શેરબજારમાં આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં શેરબજારમાં આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 350 પોઈન્ટથી વધુ ઉછાળો નોંધાવી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. સેન્સેક્સ 75368.56નુ ઑલટાઈમ હાઈ લેવલ બનાવ્યા બાદ 2.24 વાગ્યે 1116 પોઈન્ટના ઉછાળા સાથે 75336.19 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી પણ 339.20 પોઈન્ટ ઉછળી 22937 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટીએ 22948.45ની રેકોર્ડ ટોચ નોંધાવી છે.
વડાપ્રધાનના નિવેદન પર પીએસયુ શેરોમાં રોકાણકારો માલામાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જૂને એનડીએની જીત નિશ્ચિત હોવાની ખાતરી આપતાં શેરબજારોમાં તેજી આવવાના એંધાણ આપ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે. પીએસયુ શેરોમાં 10 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. કોચિન શિપયાર્ડ, આરવીએનએલ, મઝગાંવ ડોક, બીડીએલ, આઈઆરએફસી સહિતના શેરોમાં 15 ટકાથી વધુના ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચ બનાવી છે.
શેરબજારમાં ઉછાળા માટે કારણો
લોકસભા ચૂંટણી 2024નુ અપેક્ષિત પરિણામ મળવાની શક્યતા વધી છે. વૈશ્વિક શેરબજારો પણ પોઝિટીવ પરિબળો સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આરબીઆઈએ સરકારની તિજોરીમાં 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ઠાલવવાની જાહેરાત કરતાં મજબૂત અર્થતંત્રનો સંકેત મળ્યો છે. બેન્કિંગ શેરોમાં વોલ્યુમ વધ્યા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.23 ટકા તૂટી 21.42 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે માર્કેટમાં સ્થિરતા વધવાનો સંકેત આપે છે.
રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી
સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળા સાથે રોકાણકારોની મૂડી રૂ.4 લાખ કરોડ વધી છે. 2.42 વાગ્યે બીએસઈ માર્કેટ કેપ રૂ. 419.50 લાખ કરોડની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જેમાં ગઈકાલના બંધ સામે રોકાણકારોની મૂડી રૂ. 3.56 લાખ કરોડ વધી છે.
સેન્સેક્સ-નિફ્ટીએ આ રીતે રચ્યો ઈતિહાસ
બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સે તેનો જૂનો રેકોર્ડ તોડ્યો અને 1200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 75,368ના સ્તરને સ્પર્શ કર્યો, જે તેનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સે ઈતિહાસ રચ્યો હતો અને નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.નિફ્ટી 350 પોઈન્ટથી વધુ ઉછળીને રૂ. 22,948ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.
NSE લિસ્ટેડ 2,572 શેરોમાંથી 1,220 શેર ઊંચા ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 1,242 શેરમાં ઘટાડો ચાલુ છે. જ્યારે 110 શેર યથાવત દેખાય છે. ખાસ વાત એ છે કે આમાં 100થી વધુ શેર સામેલ છે, જે તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયા છે.








