મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રતન ટાટાનું નિધન: PM મોદીએ દુઃખ વ્યક્ત કરી ગુજરાતની મુલાકાતો વાગોળી

Ratan Tata Passed Away : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયુ

રતન ટાટાનું નિધન: PM મોદીએ દુઃખ વ્યક્ત કરી ગુજરાતની મુલાકાતો વાગોળી

Ratan Tata Passed Away : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X'પર પોસ્ટ શેર કરીને લખ્યું, “શ્રી રતન ટાટાજી સાથેની અસંખ્ય વાતચીતોની યાદોથી મારું મન ભરાઈ ગયું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે અલગ-અલગ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ અત્યંત સમૃદ્ધ કરનારા લાગે છે. હું દિલ્હી આવ્યો ત્યારે પણ આ વાતચીત ચાલુ જ હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”

મોદીએ લખ્યું, “રતન ટાટાજીના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સ્વપ્ન અને બીજાને મદદ કરવાનો તેમનો જુસ્સો. તેઓ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા કાર્યોને આગળ વધારવામાં મોખરે હતા. રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું”

ભારતીય ઉદ્યોગના ટાઇટન હતા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, શ્રી રતન ટાટાના નિધનથી દુઃખી છું. તેઓ ભારતીય ઉદ્યોગના ટાઇટન હતા, જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા હતા. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.

રતન ટાટાનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ

બુધવારે સાંજે તેમની તબિયતલ લથડવાના સમાચાર આવ્યા હતા. જેના કેટલાક કલાક બાદ જ સમાચાર આવ્યા કે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ છે. જોકે, તેમને દેશ ક્યારે ભૂલી નહીં શકે. તેમણે દેશના એકથી વધીને એક કામ કર્યા. ટાટા ગ્રુપને ઉંચાઈઓ પર પહોંચાડવામાં રતન ટાટાની સૌથી મોટી ભૂમિકા રહી. તેમણે દેશ અને સામાન્ય લોકો માટે અનેક એવા કામ કર્યા, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. રતન ટાટા એક દરિયાદિલી વ્યક્તિત્વ હતું અને મુસીબતમાં દેશ માટે હંમેશા તૈયાર રહેતા હતા.

આ સમાચાર શેર કરો