પુત્રને ટિકિટ અપાવવાના આક્ષેપો અંગે રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાં પરિવારવાદ મુદ્દે સતત વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કરતા રહે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાં પરિવારવાદ મુદ્દે સતત વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કરતા રહે છે. જોકે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહ ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં રાજનાથ સિંહના પરિવાર પર પણ પરિવારવાદનો આક્ષેપ થયો છે. રાજકારણમાં પરિવારવાદ અંગેના પ્રશ્ન પર રાજનાથ સિંહે કહ્યું કે, ‘હું જ્યારે ભાજપનો અધ્યક્ષ હતો, ત્યારે મેં મારા પુત્રને ટિકિટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે 10 વર્ષ બાદ વર્ષ 2017માં અમિત શાહ ને પાર્ટીના અધ્યક્ષ બનાવાયા હતા, ત્યારે તેમણે મારા પુત્રને ટિકિટ આપી હતી.’
પરિવારવાદના આક્ષેપ પર રાજનાથ સિંહે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘મારા પરિવારમાં બે પુત્ર છે, બંને સારા ભણેલા-ગણેલા છે. પાર્ટીની ચૂંટણી સમિતિ અથવા સંસદીય સમિતિના કોઈપણ સભ્યો એવું ન કહી શકે કે, મેં મારા હાથથી મારા પુત્રને ટિકિટ આપી છે. પાર્ટીનો કોઈપણ નેતા એવું ન કહી શકે કે, રાજનાથ સિંહે પોતાના પુત્રને ટિકિટ આપવા મને કહ્યું હોય.’
કલ્યાણ-કલરાજે ટિકિટનો પ્રસ્તાવ રાખ્યો હતો : રાજનાથ
તેમજ વધુમાં કહ્યું કે, ‘વર્ષ 2007ની વાત છે, ત્યારે હું પાર્ટીનો અધ્યક્ષ હતો. એક તરફ અટલ બિહારી વાજપેયી બેઠા હતા, તો બીજી તરફ લાલકૃષ્ણ અડવાણી બેઠા હતા. ત્યારે અમારા દિગ્ગજ નેતા કલ્યાણ સિંહ અને કલરાજ મિશ્રાએ કહ્યું હતું કે, રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવે. ત્યારે મેં કહ્યું હતું કે, હું પંકજને ટિકિટ આપવાનો અસ્વિકાર કરું છું. ત્યારે હું અધ્યક્ષ હતો અને આ પદ પર હોવાથી હું મારા પુત્રને મારા હાથથી ટિકિટ નહીં આપું. ત્યારબાદ કલ્યાણ સિંહ અને કલરાજ મિશ્રાએ પંકજના પક્ષમાં તર્ક આપ્યો હતો.’
‘હું અધ્યક્ષ હોવાના નાતે પુત્રને ટિકિટ નહીં આપું’
તો વાજપેયીએ કહ્યું કે, આ બાબત પર મારો ડિસેન્ટ નોટ કરવામાં આવે કે, પંકજને ટિકિટ મળવી જોઈએ. આ મુદ્દે અડવાણીએ પણ મંજૂરી આપી હતી. ત્યારબાદ વાજપેયીએ ચૂંટણી સમિતિના સચિવને કહ્યું કે, પંકજને ટિકિટ આપવામાં આવે અને પછી ટિકિટ આપવાની જાહેરાત પણ કરી દેવાઈ હતી.’








