'જમ્મુ-કાશ્મીરના નારા લગાવવાથી તે તમારું નહી થઈ જાય', UNમાં ભારતનો પાકને જડબાતોડ જવાબ
સંયુક્ત રાષ્ટ્ર (UN), ન્યૂયોર્કમાં પાકિસ્તાનને ફરી એકવાર ફજેતી થઇ હતી અને શરમ

સંયુક્ત રાષ્ટ્ર (UN), ન્યૂયોર્કમાં પાકિસ્તાનને ફરી એકવાર ફજેતી થઇ હતી અને શરમજનક સ્થિતિ સર્જાણી હતી. વિશ્વભરમાં ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ચાલી રહેલી યુએનની બેઠકમાં પાર્વથાનેનીએ પાકિસ્તાનની ટીકા કરી હતી. પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો ભારે પડ્યો હતો. આ મામલે ભારતે કહ્યું કે, 'પાકિસ્તાનની કટ્ટરવાદી માનસિકતા જાણીતી છે. તેની કટ્ટરતાનો રેકોર્ડ પણ દુનિયાની સામે છે.'
પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો ભારે પડ્યો
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે 14 માર્ચના રોજ જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓ અને નિવેદનોની આકરી ટીકા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, 'વારંવાર જમ્મુ-કાશ્મીરનાં નારા લગાવવાથી ભારતનો આ અભિન્ન હિસ્સો પાકિસ્તાનનું નહીં બને. પાર્વથાનેનીએ સ્પષ્ટપણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.'
પાકિસ્તાને ટ્રેન હાઈજેકનો આરોપ ભારત પર લગાવ્યો
ભારત સરકાર વતી હરીશ પાર્વથેનીનું આ નિવેદન ભારતે શુક્રવારે પાકિસ્તાનના એ આરોપોને નકારી કાઢ્યા બાદ આવ્યું છે જેમાં પાકિસ્તાને ટ્રેન હાઈજેકમાં ભારતની ભૂમિકા વિશે જણાવ્યું હતું. આ આરોપોને નકારી કાઢતાં ભારતે કહ્યું હતું કે દુનિયા સારી રીતે જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્ર ક્યાં છે.
જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે
યુએનમાં પાકિસ્તાનના તાજેતરના નિવેદન પર ભારતની પ્રતિક્રિયા વાંચતા, પાર્વથાનેની હરીશે કહ્યું કે, 'તેમની હંમેશની આદત મુજબ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી, ન તો આ વિસ્તાર પરના તેમના દાવાને માન્ય કરવામાં આવશે અને ન તો સરહદ પારના આતંકવાદની પ્રથાને ન્યાયી ઠેરવવામાં આવશે. પાકિસ્તાનના આવા પ્રયાસોથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે.'
ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ
પાર્વથાનેની હરીશે યુએનમાં કહ્યું, 'ભારત વિવિધતાની ભૂમિ છે. ભારતમાં 20 કરોડથી વધુ મુસ્લિમો છે અને તે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તીમાંથી એક છે. મુસ્લિમો વિરુદ્ધ ધાર્મિક અસહિષ્ણુતાની ઘટનાઓની નિંદા કરવામાં ભારત યુએનના સભ્ય તરીકે એકજુટ છે. હરીશે એમ પણ કહ્યું કે ધાર્મિક ભેદભાવ, દ્વેષ અને હિંસાથી મુક્ત વિશ્વને પ્રોત્સાહન આપવું એ હંમેશા ભારત માટે જીવન જીવવાનો માર્ગ રહ્યો છે.'








