VIDEO: મુંબઈમાં વરસાદે આફત નોંતરી, પુણેમાં આભ ફાટ્યું, રેલવે સ્ટેશનોમાં પાણી ભરાયા
મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોકણ, પુણે, સતારા, થાણે, મુંબઈ

મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોકણ, પુણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યના સત્તાધીશોને વરસાદના કારણે એલર્ટમાં રહેવાં તેમજ સમયસર બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્યના લોકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતાં એલર્ટને ધ્યાનમાં લેવા અપીલ કરી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતી રાખવા કહ્યું છે.
https://twitter.com/sirajnoorani/status/1926730792052441513
પુણેમાં આભ ફાટ્યું
પુણેમાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ઘાટમાં કુરવેંદેમાં 184.5 mm વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે પુણેમાં 26 અને 27 તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. સ્થાનિકો અને સત્તાધીશોને એલર્ટ રહેવા સૂચના આપી છે. પુણેમાં 31 મે સુધી વરસાદની સ્થિતિ રહેશે. એનડીઆરએફની ટીમે પુ માલશિરાસ અને કુરૂબાવી નદી કિનારેથી છ લોકોને બચાવ્યા છે. જેમાં ત્રણ પુરૂષ, બે મહિલા, અને એક બાળક સામેલ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના થાણે, પુણે, કોલ્હાપુર, રત્નાગિરી, રાયગઢમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
https://twitter.com/ImArti45/status/1924466993878704198
NDRFની ટીમે 14 લોકોને બચાવ્યા
પુણેમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એનડીઆરએફની ટીમે પુણેના બારામતી જિલ્લામાંથી આઠ લોકોને બચાવ્યા છે. સોલાપુર જિલ્લામાં પણ નદીમાં ડૂબતાં છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા અપીલ કરાઈ રહી છે. તેમજ ત્યાં રહેતાં લોકોને સુરક્ષિત સ્થળો પર જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
કાંદિવલીથી સાંતા ક્રૂઝ 15 કિમી સુધી ચક્કાજામ
વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. કાંદિવલીથી સાંતા ક્રૂઝમાં 15 કિમીનો લંબો ચક્કાજામ થયો હતો. ભારે પવન સાથે વરસાદ અને વીજના ચમકારા વચ્ચે મુંબઈમાં ચાર અને પશ્ચિમી વિસ્તારોમાં પાંચ ઝાડ પડી ગયા છે.
35 વર્ષ બાદ ચોમાસાનું વહેલું આગમાન
મહારાષ્ટ્રના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં 35 વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
રાજધાની મુંબઇમાં મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદની અસર સોમવારે રેલવે સેવા પર પડી રહી છે. મધ્ય રેલવે હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઇ ગઇ છે. જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય રેલવેની મેન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જનાર લોકલ ટ્રેનો મોડી મોડી ચાલી રહી છે.
સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે એક કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમન પોઇન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો છે. આ ઉપરાંત એ વોર્ડ ઓફિસમાં 86 મી.મી., કોલાબા પંપિંગ સ્ટેશન 83 મી.મી., મ્યુનિસિપલ હેડ ઓફિસ 80 મી.મી., કોલાબા ફાયર સ્ટેશન 77 મી.મી., ગ્રાન્ટ રોડ આઇ હોસ્પિટલ 67 મી.મી., મેમનવાડા ફાયર સ્ટેશન 65 મી.મી., માલાબાર હિલ 63 મી.મી. અને ડી વોર્ડ 61 મી.મી. વરસાદ નોંધાયો છે.
ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો પણ નોંધાયા છે. BMC ને શહેરમાં 4 સ્થળોએ અને વેસ્ટર્ન સબર્બ્સમાં 5 સ્થળોએ વૃક્ષો પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલ્વે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અપ અને ડાઉન સાઇડ લોકલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂ થઈ છે.
મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. રવિવારે રાત્રે પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહીવટીતંત્રે કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખશે.








