'લદ્દાખની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે BJP-RSS', સોનમ વાંગચુકની ધરપકડ પર રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે લદ્દાખના લોકો,સંસ્કૃતિ અને પરંપરાઓ પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને RSS તરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે.રાહુલ ગાંધીએ લદ્દાખને છઠ્ઠી અનુસૂચીમાં સામેલ કરવાની પણ વકીલાત કરી છે. રાહુલ ગાંધીએ આ ટિપ્પણી લેહ હિંસાને લઇને કરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે લેહમાં બુધવારે થયેલી હિંસામાં સુરક્ષાદળોએ કરેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનામાં 50 લોકોની અટકાયત કરવામાં આવી હતી. લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહેલા જળવાયુ કાર્યકર્તા સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (રાસુકા) હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને રાજસ્થાનની જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટમાં કહ્યું, 'લદ્દાખના અદભુત લોકો, સંસ્કૃતિ અને પરંપરાઓ પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) હુમલા કરી રહ્યા છે.' લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, 'લદ્દાખના લોકોએ અવાજ ઉઠાવ્યો. ભાજપે ચાર યુવકોનો જીવ લઇ અને સોનમ વાંગચુકને જેલમાં નાખીને જવાબ આપ્યો.હત્યા બંધ કરો, હિંસા બંધ કરો, ધમકી આપવાનું બંધ કરો.'રાહુલ ગાંધીએ કહ્યું, 'લદ્દાખને અવાજ આપો, તેમણે છઠ્ઠી અનુસૂચી આપો.'
લદ્દાખમાં પાંચમા દિવસે પણ કરર્ફ્યૂ
અધિકારીઓએ જણાવ્યું કે હિંસા પ્રભાવિત લેહમાં સતત પાંચમા દિવસે કરર્ફ્યૂ લાગેલો રહ્યો હતો અને ઉપરાજ્યપાલ કવિંદર ગુપ્તા પ્રતિબંધોમાં છૂટ આપવા માટે સુરક્ષા સમીક્ષા બેઠક કરશે. રાજ્યનો દરજ્જો આપવા અને લદ્દાખને છઠ્ઠી અનુસૂચીના વિસ્તાર મુદ્દે કેન્દ્ર સાથે વાતચીતને આગળ વધારવા માટે 'લેહ એપેક્સ બોડી' દ્વારા બંધ દરમિયાન બુધવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.
NSA હેઠળ સોનમ વાંગચુકની ધરપકડ
જળવાયુ કાર્યકર્તા સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ કરવામાં આવી છે.આ કાર્યવાહી લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણીય સંરક્ષણ આપવાની માંગ પર હિંસક વિરોધ પ્રદર્શનના બે દિવસ બાદ કરવામાં આવી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા અને 90 ઘાયલ થયા હતા.

