રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી હાઈકોર્ટ પહોંચ્યા, સરકાર પાસે કરી આ માંગ
રાહુલ ગાંધીની નાગરિકતા અંગે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

રાહુલ ગાંધીની નાગરિકતા અંગે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગયા અઠવાડિયે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે તેમણે કોર્ટનો સંપર્ક કરીને માગ કરી છે કે, કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવાનું કહો. આ સિવાય કોર્ટ પાસે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકાર પાસેથી મારી ફરિયાદ પર સ્ટેટસ રિપોર્ટ માંગે. ઓગસ્ટ 2019માં સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે અને તેમની પાસે ત્યાંનો પાસપોર્ટ છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 9ને ટાંકીને તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર એક જ દેશના નાગરિક બની શકે છે. નાગરિકતા અધિનિયમ 1955નો ઉલ્લેખ કરતા સ્વામીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાસેથી તેમની ભારતીય નાગરિકતા છીનવી લેવી જોઈએ. બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જો કોઈ નાગરિક બીજા દેશની નાગરિકતા લે છે, તો તેણે ભારતીય નાગરિકતા છોડવી પડે છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા 20 એપ્રિલ 2019ના રોજ રાહુલ ગાંધીને નોટિસ પણ મોકલવામાં આવી હતી. આ નોટિસનો વિષય નાગરિકતા સંબંધિત ફરિયાદ હતી.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, રાહુલ ગાંધી બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપની બેકલોપ્સ લિમિટેડના ડિરેક્ટરોમાંના એક છે. કંપનીએ 2005 અને 2006માં વાર્ષિક રિટર્ન ફાઈલ કર્યું હતું. રાહુલ ગાંધીની જન્મતારીખ 19 જૂન, 1970 છે. સ્વામીએ કોર્ટમાં કહ્યું છે કે મેં કેન્દ્ર સરકારને આ ફરિયાદ પર સ્ટેટસ અપડેટ માટે ઘણી વખત કહ્યું છે, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી. હવે તેમણે કોર્ટ પાસે માંગ કરી છે કે, તેઓએ સરકારને આ મુદ્દે કાર્યવાહીની સ્થિતિ વિશે પૂછવું જોઈએ.




