મોટા સમાચાર : આખરે રાહુલ ગાંધીએ આ બેઠક છોડી, પ્રિયંકા લડશે ચૂંટણી
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાઅર્જુનના નિવાસસ્થાને સોમવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે તેને લઈને

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાઅર્જુનના નિવાસસ્થાને સોમવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધી આખરે વાયનાડ છોડશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. તમને જણવી દઈએ કે, રાહુલ રાયબરેલીમાં 3.90 લાખ અને વાયનાડમાંથી 3.64 લાખ મતોથી જીત્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવાસ્થાને યોજાઈ હતી બેઠક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે બેઠક બાદ જાહેરાત કરી કે, રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ છોડી દેશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. આ સાથે ખડગેએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આજની બેઠકમાં નક્કી થયું કે પ્રિયંકા ગાંધી હવે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. રાયબરેલી બેઠકનો ગાંધી પરિવાર સાથે ઘણો સંબંધ છે. રાયબરેલીના લોકો અને પાર્ટીના લોકોનું કહેવું છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પરથી જ સાંસદ રહેવું જોઈએ.
14 દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની હતી
નિયમો અનુસાર, રાહુલ ગાંધીએ 4 જૂને જાહેર થયેલા લોકસભાના પરિણામોના 14 દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની હતી. હવે જ્યારે રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રહેવાનું પસંદ કર્યું છે, ત્યારે તેમની બહેન પ્રિયંકા વાયનાડની ખાલી પડેલી બેઠક પરથી પેટાચૂંટણી લડશે.
અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ બે બેઠકો પર જીત્યા હતા
નહેરુ-ગાંધી પરિવારમાંથી આવતા કોંગ્રેસી નેતા બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોય, તેવું પહેલીવાર બન્યું નથી. આવું પહેલા પણ થઈ ચુક્યું છે. ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી, બંને બે બેઠકો પર ચૂંટણી જીત્યા છે. ખાસ વાત એ છે કે, જેમ રાહુલ દક્ષિણ ભારતની એક અને ઉત્તર ભારતની એક બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, તેવી રીતે અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ જીત્યા હતા.








