વાળ લાંબા કરવા માટે હેર ઓઈલના નામે નથી લગાવી રહ્યાને સસલાનું લોહી, ઓનલાઈન તેલ વેચતી બે ફેક્ટરી કરાઈ સીલ

લોકો તેમના વાળનો ગ્રોથ વધારવા અને તેમને ચમકદાર બનાવવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે, કેટલાક લોકો હેર ટ્રીટમેન્ટ કરાવે છે, તો કેટલાક ખાસ તેલ વાપરે છે. પરંતુ આવા પ્રોડક્ટ્સમાં ક્યા પ્રકારની સામગ્રી વાપરવામાં આવે છે તેની જાણકારી વધુ લોકોને નથી હોતી. થોડા સમય પહેલા ખાસ પ્રકારના હેર ઓઈલમાં સસલાના લોહીનો ઉપયોગની વાત સામે આવી હતી.
આ મામલામાં તમીલનાડુની બે ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. ગોબીચેટ્ટીપલયમ અને ભવાનીમાં બે એકમો, જે જરૂરી લાઈસન્સ મેળવ્યા વિના સસલાના લોહીથી વાળનું તેલ બનાવતા હતા, તેમને ડ્રગ્સ કંટ્રોલ વિભાગના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. સસલાના લોહીવાળું આ તેલ ઓનલાઈન પણ વેચાઈ રહ્યું છે.
તેલની જાહેરાત જોઈને થઈ જાણ
સોશિયલ મીડિયા પર એક જાહેરાત જોયા પછી, ડ્રગ ઈન્સ્પેક્ટરની એક ટીમે ગોબીચેટ્ટીપલયમ બ્લોકમાં ડી.જી. પુદુર ફોર રોડ પર એક એકમનું નિરીક્ષણ કર્યું. તેમને જાણવા મળ્યું કે કોસ્મેટિક પ્રોડક્ટ તરીકે વર્ગીકૃત કરાયેલ વાળનું તેલ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 હેઠળ લાઈસન્સ વિના બનાવવામાં આવ્યું હતું. તેઓએ નમૂનાઓ એકત્રિત કર્યા અને વેચાણ માટે બનાવાયેલ બધી તેલની બોટલો જપ્ત કરવામાં આવી હતી.
એ જ રીતે, બીજી ટીમે ભવાની બ્લોકમાં એક એકમનું નિરીક્ષણ કર્યું અને તે પણ લાઈસન્સ વિના કાર્યરત હોવાનું જાણવા મળ્યું. અહીંથી પણ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા, અને બધી તેલની બોટલો જપ્ત કરવામાં આવી.
સૂત્રોએ જણાવ્યું હતું કે બંને એકમો ગેરકાયદેસર રીતે કાર્યરત હતા, જેના કારણે બધી સામગ્રી જપ્ત કરવામાં આવી. ચેન્નાઈમાં ડ્રગ્સ કંટ્રોલ ડિરેક્ટરને એક રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો. સૂત્રોએ ઉમેર્યું હતું કે જાહેરાતોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વાળના તેલના ઉત્પાદનમાં સસલાના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વાતની પુષ્ટિ પ્રયોગશાળાના અહેવાલો પ્રાપ્ત થયા પછી જ થશે. જેમાં ઘટકોની વિગતો આપવામાં આવી હતી. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.

