પંજાબ/ પઠાણકોટના એક ગામમાં જોવા મળ્યા 7 શંકાસ્પદ, પોલીસે સ્કેચ જાહેર કરી તપાસ હાથ ધરી
પંજાબના પઠાણકોટમાં ફંગટોલી ગામમાં એક સાથે સાત શંકાસ્પદ લોકો જોવા મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છ

પંજાબના પઠાણકોટમાં ફંગટોલી ગામમાં એક સાથે સાત શંકાસ્પદ લોકો જોવા મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. પોલીસે પણ પણ આ ગામમાં પહોંચીને તપાસ અભિયાન હાથ ધર્યું છે. મોડી રાત્રે સાત શંકાસ્પદ વ્યક્તિઓએ એક મહિલાના ઘરે જઇને પાણી માંગ્યું હતું. તે બાદ તે જંગલ તરફ જતા રહ્યાં હતા. મહિલાએ પહેલા ગ્રામીણોને જાણકારી આપી હતી અને તે બાદ ગ્રામીણોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે સ્કેચ જાહેર કર્યો
પોલીસ અને સેનાના જવાન ગામમાં પહોંચી ગયા છે અને વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવી રહ્યાં છે. પોલીસે આ લોકોનો એક સ્કેચ પણ જાહેર કર્યો છે અને લોકોને ઓળખ કરવાની અપીલ કરી છે.
પોલીસે શું કહ્યુ?
DSP પઠાણકોટ સુમેર સિંહે જણાવ્યું કે મોડી રાત્રે સૂચના મળી હતી કે ફંગટોલી ગામમાં સાત શંકાસ્પદ લોકો જોવા મળ્યા છે. ડીએસપીએ કહ્યું, "અમે તમામ પાસાની તપાસ કરીશું. સંયુક્ત તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.અમે વિસ્તારની તપાસ કરીશું. જે લોકોએ તેમને જોયા છે તેમના અનુસાર શંકાસ્પદ લોકો પાસે કોઇ દારુ ગોળો નહતો." આ લોકો કોણ છે, શું કરવા આવ્યા હતા તેના વિશે કોઇ જાણકારી મળી નથી. મહિલા પાસે પાણી માંગીને તે આગળ વધી ગયા હતા. મહિલાને શંકાસ્પદ લાગતા ગ્રામજનોને તેની જાણ કરી હતી.







