પંજાબ ચૂંટણી 2027: ભાજપની ચૂંટણી સમિતિઓમાં રાઘવ ચઢ્ઢા સહિત AAP છોડીને આવેલા સાંસદોને સ્થાન

પંજાબમાં 2027ની શરૂઆતમાં યોજાનારી 117 બેઠકોની વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોને રવિવારે રાજ્ય સ્તરની બે મહત્ત્વપૂર્ણ સમિતિઓ—મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) કમિટી અને ચાર્જશીટ કમિટીની જાહેરાત કરી છે. ભાજપ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, પાર્ટીએ આ ચૂંટણી માટે રાઘવ ચઢ્ઢાને મોટી જવાબદારી સોંપતા તેમને મેનિફેસ્ટો કમિટીમાં સ્થાન આપ્યું છે. તેમની સાથે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયેલા અન્ય 5 રાજ્યસભા સાંસદોનો પણ આ બંને સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજુ વધુ સમિતિઓની જાહેરાત કરવામાં આવશે.
મેનિફેસ્ટો કમિટીની કમાન અવિનાશ રાય ખન્નાના હાથમાં
પંજાબ ભાજપના નિવેદન અનુસાર, પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા અવિનાશ રાય ખન્નાને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં તેમના સિવાય અન્ય 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મનપ્રીત સિંહ બાદલ, અશ્વની શર્મા, મનોરંજન કાલિયા, સોમ પ્રકાશ, રાણા ગુરમીત સિંહ સોઢી, અશ્વની સેખરી, સતનામ સિંહ સંધૂ, રાઘવ ચઢ્ઢા, રાજિંદર ગુપ્તા, હરભજન સિંહ, પરમપાલ કૌર અને એચ. એસ. ફૂલ્કાનો સમાવેશ થાય છે.
સુનીલ જાખડ બન્યા ચાર્જશીટ કમિટીના ચેરમેન
બીજી તરફ, પંજાબ ભાજપે સુનીલ જાખડને ચાર્જશીટ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. પાર્ટીના જણાવ્યા મુજબ, આ સમિતિમાં પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ઈકબાલ સિંહ લાલપુરા, વિજય સાંપલા, શ્વેત મલિક, મહારાણી પરનીત કૌર, રવનીત સિંહ બિટ્ટૂ, દિનેશ બબ્બૂ, સુશીલ રિંકૂ, ગેજા રામ, વિક્રમજીત સિંહ સાહની, અશોક મિત્તલ, સંદીપ પાઠક, એસ. એસ. ચન્ની અને જગમીત સિંહ બરાડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પંજાબ કોંગ્રેસે પણ પક્ષપ્રવેશની પ્રક્રિયા માટે સમિતિ રચી
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબ કોંગ્રેસ દ્વારા પણ સંગઠનાત્મક પગલું ભરવામાં આવ્યું છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પરગટ સિંહે રવિવારે અન્ય પક્ષોના નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા અને સંકલન સાધવા માટે 4 સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય વિજય ઈન્દર સિંગલા, ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક દળના ઉપનેતા અરુણા ચૌધરી, પૂર્વ ધારાસભ્ય કુશલદીપ સિંહ ઢિલ્લોન અને ધારાસભ્ય હરદેવ સિંહ લડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્થાનિક નેતૃત્વ સાથે પરામર્શ બાદ જ નવા નેતાઓને પ્રવેશ: કોંગ્રેસ
પંજાબ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ સમિતિ એ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ નેતાને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં સંબંધિત વિસ્તારના વરિષ્ઠ નેતાઓ અને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષો સાથે યોગ્ય વિચાર-વિમર્શ કરવામાં આવે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક નેતૃત્વ સાથે બહેતર સંકલન જાળવીને અને તેમના અભિપ્રાયને ધ્યાનમાં લીધા બાદ જ પાર્ટીમાં નવા નેતાઓને સામેલ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.










