રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પાસ, CWC બેઠકમાં નિર્ણય
કોંગ્રેંસની વર્કિંગ કમિટી અને પાર્ટી સંસદીય દળની બેઠક શનિવારે યોજાઈ હતી. આ દરમિયાન રાહ

કોંગ્રેંસની વર્કિંગ કમિટી અને પાર્ટી સંસદીય દળની બેઠક શનિવારે યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ CWCના સભ્યોએ સર્વાનુમતે પ્રસ્તાવ પાસ કર્યો છે કે, રાહુલ ગાંધીને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે વિપક્ષ નેતા બનવા માટે રાહુલ ગાંધીનું નામ આગળ કરાયું છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પ્રસ્તાવ પાસ કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષી પાર્ટીના નેતા નિયુક્ત કરવા જોઈએ. લોકસભામાં વિપક્ષ નેતા તરીકે પોતાનું નામ પાસ થતાં રાહુલ ગાંધીએ આ બાબતે વિચારવા માટેનો કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસે થોડો સમય માગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, ભારત જોડો યાત્રા જ્યાં જ્યાં પસાર થઈ ત્યાં કોંગ્રેસ પાર્ટીના વોટશેરમાં અને સીટોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હીની અશોકા હોટલ ખાતે કોંગ્રેસની CWCની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ચૂંટણીના પરિણામો અને ભાવિ વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત પાર્ટીના અન્ય ટોચના નેતાઓએ હાજરી આપી હતી.
CWC બેઠક પછી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ. તેઓ નિડર અને સાહસી નેતા છે. તે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે છે. આ અમારી કાર્યસમિતિનો સર્વ સંમત અનુરોધ હતો.






