PRLને મોટી સફળતા, સૂર્યમંડળની બહાર પૃથ્વી કરતાં 263 ગણો મહાકાય એક્ઝોપ્લેનેટ શોધ્યો
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટર

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(પી.આર.એલ.-અમદાવાદ)ના વિજ્ઞાનીઓની ટીમે આપણી સૂર્યમાળા બહાર(આપણા સૌરમંડળ બહારના ગ્રહોને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) એક મહાકાય ગ્રહ શોધ્યો છે. PRLના વિજ્ઞાનીઓની ટીમમાં એસ.બાલીવાલ, આર.શર્મા. એ.ચક્રવર્તીનો સમાવેશ થાય છે.
પૃથ્વી કરતાં 263ગણો વધુ મોટો
TOI-6038એ બી સંજ્ઞા ધરાવતો ગ્રહ એટલો મહાકાય છે કે તે આપણી પૃથ્વી કરતાં 263ગણો વધુ મોટો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મહાકાય ગ્રહમાં આપણી 263 પૃથ્વી નાના નાના લાડવાની જેમ સમાઇ જાય. PRL નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આ નવો એકઝોપ્લેનેટ સબ -સેટર્ન સાઇઝ (આપણી સૂર્યમાળાનો વલયધારી શનિ ગ્રહ કરતાં થોડોક નાનો) નો છે. મહત્ત્વની શોધ તો એ છે કે આ વિશાળ ગ્રહની ધરતી ખડકાળ છે.
આ એક્ઝોપ્લેનેટનું દળ પૃથ્વીના દળ (એમ :5.9722 : ગુણ્યા : 1024 કિલો) કરતાં 78.5 ગણું વધુ છે. જ્યારે તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા (6378 કિ.મી. - વિષુવવૃત્ત) કરતાં 6.41 ગણી વધુ છે.
આશ્ચર્યની બાબત તો એ છે કે TOI -6038એ બી ગ્રહ એક નહીં પણ બે સૂર્યની સિસ્ટમમાં છે. સરળ રીતે સમજીએ તો આ મહાકાય ગ્રહને બે પિતૃ તારા (જેને ખગોળશાસ્ત્રની ભાષામાં બાયનરી સિસ્ટમ કહેવાય છે). જોકે આ ગ્રહ એક પિતૃ તારાની પ્રદક્ષિણા કરે છે જ્યારે બીજો તારો ઘણો ઘણો દૂરના અંતરે છે.
એક્ઝોપ્લેનેટ જે તારાની પ્રદક્ષિણા કરે છે તે તારો ઘણો તેજસ્વી છે. સાથોસાથ તેમાં વિવિધ પ્રકારની ધાતુઓ હોવાની પણ શક્યતા છે. વળી, તે પિતૃતારો -- એફ - ટાઇપનો છે. એક્ઝોપ્લેનેટ તેના તારા ફરતે ફક્ત 5.83 દિવસમાં એક પ્રદક્ષિણા પૂરી કરે છે. એટલે કે સૂર્યમંડળ બહારના આ તોિંતંગ ગ્રહનો એક દિવસ ફક્ત પાંચ દિવસનો છે.
આપણો સૂર્ય યલો ડ્વાર્ફ સ્ટાર છે અને - જી 2 વી - આપણા સૂર્ય હાઇડ્રોજન અને હિલિયમનો વિશાળ ગોળો છે અને તે બ્રહ્માંડની ત્રીજી પેઢીનો સ્ટાર છે. સરળ રીતે સમજીએ તો આપણો સૂર્ય બ્રહ્માંડમાંનાં બીજા મોટા -મહાકાય સ્ટાર્સની સરખામણીએ ઘણો નાનો તારો છે. અનંત અંતરિક્ષમાં તો આપણા સૂરજ કરતાં ૨૦,૩૦,૫૦,૧૦૦ ગણા વધુ મોટા -મહાકાય તારા ઝળહળે છે.
અત્યાર સુધીમાં આવા પાંચ એક્ઝોપ્લેનેટ્સ શોધ્યા
PRLનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે આ વિરાટકાય ગ્રહ સૌર મંડળ બહારના નેપ્ચુન જેવા અને વાયુના વિશાળ ગોળા જેવા ગ્રહોના વિસ્તાર(જેને નેપ્ચુન લાઇક અને ગેસ જાયન્ટ એક્ઝોપ્લેનેટ રિજન કહેવાય છે)માં છે.
આ એક્ઝોપ્લેનેટ શોધવા માટે વિજ્ઞાનીઓની ટીમે PRL એડવાન્સ્ડ રેડિયલ વલોસિટી આબુ સ્કાય સર્ચ(પી.એ.આર.એસ.--પારસ) -- ૨ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કર્યો છે.બે મીટરનો વ્યાસ ધરાવતું આ ટેલિસ્કોપ માઉન્ટ આબુની ગુરુશિખર વેધશાળામાં છે. પી.આર.એલ.ના વિજ્ઞાીઓએ પારસ -1 અને પારસ -2 ની મદદથી અત્યાર સુધીમાં આવા પાંચ એક્ઝોપ્લેનેટ્સ શોધ્યા છે.








