સમાજમાં ધર્મ, જાતિ, ભાષાના આધારે હિંસા અસ્વિકાર્ય, પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશ મુદ્દે વ્યક્ત કરી આ ચિંતા
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની લાગેલી આગે શેખ હસીનાએ દેશ છોડીને ભાગવા મજબૂર કર્યા. સેનાએ નવ

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની લાગેલી આગે શેખ હસીનાએ દેશ છોડીને ભાગવા મજબૂર કર્યા. સેનાએ નવી સરકાર બનાવી. હસીનાએ દેશ છોડ્યાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હિંસા અને આગચંપીના બનાવો અટકવાનું નામ લેતા નથી. 16 જુલાઈથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 42 પોલીસકર્મીઓ સહિત 500થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ વિરુદ્ધ ઘણી હિંસા થઈ રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે હજુ પણ ઘણા હિન્દુઓના ઘરોમાં આગચંપી ચાલુ છે. અનેક હિન્દુ મંદિરોને નુકસાન થયું છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થઈ રહેલી હિંસા ભારત માટે ચિંતાજનક છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ બાંગ્લાદેશી હિંદુઓ વિરુદ્ધ હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલાના સમાચાર હેરાન કરનારા છે. આવી હિંસા અને હુમલા અસ્વીકાર્ય છે. પ્રિયંકાની સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ બાંગ્લાદેશનું નામ લીધા વિના કહ્યું હતું કે દેશ અને તેના દેશવાસીઓની સુરક્ષા કરવી દરેક દેશની ફરજ છે.
સાધુ-સંતોએ પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને આ અંગે નક્કર પગલાં ભરવાની માંગ કરી હતી. સોમવારે, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે પડોશી બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલાના અહેવાલો ચિંતાજનક છે અને આશા વ્યક્ત કરી કે ત્યાંની સરકાર હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
પ્રિયંકા ગાંધીએ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલા થવાના સમાચારો પીડાદાયક છે. કોઇ પણ સભ્ય સમાજમાં ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે હિંસા કે હુમલા કરવા અસ્વિકાર્ય છે. કોંગ્રેસ મહાસચિવે વધુમાં ક્હ્યું કે, અમને આશા છે કે ટુંક સમયમાં બાંગ્લાદેશની સ્થિતિ સામાન્ય થઇ જશે અને ત્યાંની નવી સરકાર હિન્દુ, ઇસાઇ અને બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની સુરક્ષા તેમજ સન્માન સુનિશ્ચિત કરશે.
https://twitter.com/priyankagandhi/status/1822950370689048963
હિન્દુઓએ પોતાની સુરક્ષાની માંગ કરી
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશ સરકારને હચમચાવી દીધી હતી. આના પર શેખ હસીનાએ ઉતાવળે પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને પછી તેઓ ઢાકાથી ભારત આવ્યા. સત્તા પરથી તેમની હકાલપટ્ટી પછી પણ અરાજકતાનો માહોલ યથાવત છે. વિરોધીઓ હિન્દુ સમુદાયના લોકો પર હુમલો કરી રહ્યા છે અને મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. તેના વિરોધમાં રવિવારે (11 ઓગસ્ટ) હિન્દુ સમાજના લોકો ચટગાંવ શહેરમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાના જીવન, સંપત્તિ અને પૂજા સ્થળોની સુરક્ષાની માગ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રની યુનુસ સરકારને ટકોર
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ વ્યાપક પ્રમાણમાં હિંસાના સમાચાર સામે આવતા સંયુક્ત રાષ્ટ્રએ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારને લધુમતીઓને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું છે. નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે પણ લધુમતીઓ પર હુમલાની નિંદા કરી છે. તાજેતરમાં જ તેમણે બાંગ્લાદેશી વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું હતું કે, શું તેઓ (લઘુમતીઓ) આ દેશના લોકો નથી? તમે (વિદ્યાર્થીઓ) આ દેશને બચાવવા સક્ષમ છો તો શું તમે થોડાક પરિવારોને નથી બચાવી શકતા? તેઓ (લઘુમતીઓ) મારા ભાઇ છે. અમે સાથે મળીને દેશ માટે લડાઇ લડી છે અને અમે એક સાથે રહીશું.
ગૃહ મંત્રાલયના સલાહકારે હિન્દુ સમુદાયની માફી માંગી
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર સખાવત હુસૈને લઘુમતીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ હિન્દુઓની માફી માંગતા કહ્યું કે, 'લઘુમતી ભાઈઓની સુરક્ષા કરવી સરકારની જવાબદારી અને અંતિમ ફરજ છે.' હુસૈને વધુમાં કહ્યું કે, 'લઘુમતીઓનું રક્ષણ કરવું એ આપણા ધર્મનો ભાગ છે. હું આપણા હિન્દુ ભાઈઓની માફી માંગું છું. અત્યારે દેશ અરાજકતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. પોલીસની હાલત સારી નથી, આથી હું સમાજના લોકોને અપીલ કરું છું કે લઘુમતીમાં આવતા લોકો આપણા ભાઈઓ છે અને તમામ લોકો સાથે મળીને મોટા થયા છીએ. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે.'








