બિહારમાં ભાજપના દિગ્ગજ નેતાએ મંત્રી પદેથી આપ્યુ રાજીનામું, નીતિશ કેબિનેટ વિસ્તરણની તૈયારી
બિહારમાં બજેટ સત્ર પહેલા કેબિનેટ વિસ્તારની સંભાવના છે. 28 ફેબ્રુઆરીએ બજેટ સત્ર શરૂ થઇ રહ

બિહારમાં બજેટ સત્ર પહેલા કેબિનેટ વિસ્તારની સંભાવના છે. 28 ફેબ્રુઆરીએ બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે આ પહેલા કેબિનેટ વિસ્તારની આશા વ્યક્ત કરવામાં આવી છે. સુત્રો અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે મુલાકાતમાં આ વાત પર સહમતિ બની છે. બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે.
5 મંત્રીઓને કેબિનેટમાં જગ્યા મળી શકે
બિહારમાં કૂલ 5 મંત્રીઓને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલની જગ્યાએ કેબિનેટમાં બીજા ચહેરાને જગ્યા મળી શકે છે. ભાજપ કોટામાંથી ત્રણ અને JDUમાંથી 2 નવા મંત્રી બની શકે છે.
બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડે દિલ્હી રવાના થવાના છે. માનવામાં આવે છે કે સ્થાનિક નેતૃત્ત્વ તરફથી સંભવિત મંત્રીઓની જે યાદી આપવામાં આવશે તેના પર ભાજપના કેન્દ્રીય નેતૃત્ત્વની સહમતિ મળશે તે બાદ કેબિનેટનો વિસ્તાર થશે.
કેબિનેટ દ્વારા દરેક વર્ગને સાધવાનો પ્રયાસ
વિધાનસભા ચૂંટણી પહેલા જાતીય સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. દરેક વર્ગને પ્રતિનિધિત્ત્વ આપવા માટે નેતાઓને કેબિનેટમાં એડજસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ કેબિનેટ વિસ્તારને લઇને પહેલ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી વિસ્તાર થઇ શક્યો નહતો. સુત્રો અનુસાર જો ભાજપના કેન્દ્રીય નેતૃત્ત્વની સહમતિ મળે છે તો ગુરૂવારે કેબિનેટનો વિસ્તાર થઇ શકે છે.
JDUમાંથી કેબિનેટમાં કોણ સામેલ થશે?
કેબિનેટ વિસ્તારમાં JDUમાંથી કોણ સામેલ થશે? નીતિશ કુમાર તેના પર અંતિમ નિર્ણય લેશે. ભાજપ કોટાના કેટલાક મંત્રીઓ પાસે એક કરતા વધારે વિભાગ છે. ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હા પાસે કૂલ ત્રણ વિભાગ છે. આ સિવાય મંત્રી મંગલ પાંડે અને નીતિશ મિશ્રા પાસે 2-2 વિભાગ છે. જો તમામ મંત્રીઓ પાસે એક-એક વિભાગ રહેશે તો કર વિભાગ વર્તમાન મંત્રીઓ પાસેથી લઇ લેવામાં આવશે.
દિલીપ જયસ્વાલની જગ્યાએ બીજા ચહેરાને મળી શકે તક
પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ દિલીપ જયસ્વાલ કેબિનેટમાંથી બહાર થઇ શકે છે, તેમની જગ્યાએ કોઇ નવા ચહેરાને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. અંતિમ નિર્ણય ભાજપનું કેન્દ્રીય નેતૃત્ત્વ કરશે.
સુત્રો અનુસાર બિહાર ભાજપ નેતૃત્ત્વએ પોતાની તરફથી નવા ચહેરાના નામની લિસ્ટ ફાઇનલ કરી દીધી છે. કેન્દ્રીય નેતૃત્ત્વની મહોર લાગ્યા બાદ કેબિનેટ વિસ્તારની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નીતિશ કુમાર પાસે યાદી મોકલવામાં આવશે.
નીતિશ કેબિનેટમાં 30 મંત્રી
નીતિશ કેબિનેટમાં અત્યારે મંત્રીઓની સંખ્યા 30 છે જ્યારે 6 પદ ખાલી છે. આ સમયે ભાજપના 15, JDUના 13, HAMના 1 અને એક અપક્ષ કોટામાંથી મંત્રી છે.
બિહારમાં 28 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે
બિહારમાં 28 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે અને 28 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ પણ રજૂ કરવામાં આવશે.
બિહારમાં NDAની સરકાર છે. અલાયન્સમાં ભાજપ, JDU,HAM, LJP (R) સામેલ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ભાજપ કોટામાંથી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રી છે. બિહારમાં ભાજપના 80 ધારાસભ્ય છે અને JDUના 44 ધારાસભ્ય છે. જીતનરામ માંઝીની પાર્ટી HAM (S)ના ચાર ધારાસભ્ય છે.








