દાદર સ્ટેશનના નામ બદલવાના પ્રસ્તાવથી રાજકીય ઘમસાણ, MNSએ નોંધાવ્યો વિરોધ

દાદર સ્ટેશનના નામ બદલવાના પ્રસ્તાવથી રાજકીય ઘમસાણ, MNSએ નોંધાવ્યો વિરોધ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈના મુખ્ય ટ્રાન્ઝિટ હબ ગણાતા દાદર રેલવે સ્ટેશનનું નામ બદલીને 'ચૈત્યભૂમિ' કરવાના તાજેતરના નિર્ણયને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 18 નવેમ્બરના રોજ ખાતરી આપી હતી કે આગામી રાજ્ય વિધાનસભા સત્ર દરમિયાન નામકરણની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. જોકે, આ જાહેરાત બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કોર્પોરેટર યશવંત કિલ્લેદારે આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

સ્થાનિકોની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો MNSનો આક્ષેપ

જાહેરાત

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના વોર્ડ નંબર 192નું પ્રતિનિધિત્વ કરતા યશવંત કિલ્લેદારે આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય લેતી વખતે દાદરના સ્થાનિક રહેવાસીઓના અભિપ્રાયની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આક્રમક વલણ અપનાવતા તેમણે જણાવ્યું હતું કે, 'સ્થાનિકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને બહારના લોકોની માંગણીઓ સ્થાનિકો પર થોપીને દાદરની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભૂતકાળમાં પણ જ્યારે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, ત્યારે સ્થાનિક રહીશોએ તેનો સખત વિરોધ કર્યો હતો.'

વડાપ્રધાન અને રેલવે મંત્રીને પત્ર લખવાની ચીમકી

કિલ્લેદારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારને મનસ્વી રીતે કામ ન કરવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રેલવે સ્ટેશનોના નામ બદલવાની સત્તા મહાનગરપાલિકા પાસે નહીં, પરંતુ કેન્દ્રીય રેલવે મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવે છે. સરકારો નાગરિકોને સ્વીકાર્ય હોય તે મુજબ ચાલતી હોવાનું જણાવતા તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે પરામર્શ કે સર્વે કરાવવાની માંગ કરી છે. સાથે જ તેમણે જાહેરાત કરી છે કે દાદરના નાગરિકોની લાગણીઓ વડાપ્રધાન અને કેન્દ્રીય રેલવે મંત્રીને પહોંચાડવા માટે બંનેને પત્ર લખશે.

1853માં 'માહિમ રોડ' તરીકે શરૂ થયું હતું દાદર સ્ટેશન

દાદર સ્ટેશનના ઐતિહાસિક મહત્ત્વ વિશે માહિતી આપતા કિલ્લેદારે જણાવ્યું હતું કે, મૂળ 'માહિમ રોડ' તરીકે ઓળખાતું દાદર રેલવે સ્ટેશન 1853માં કાર્યરત થયું હતું. મુંબઈના વિસ્તરણ અને વધતી જતી મુસાફરોની સંખ્યાને પહોંચી વળવા બ્રિટિશ શાસનકાળ દરમિયાન તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. આજે 14 પ્લેટફોર્મ ધરાવતું આ સ્ટેશન સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે લાઈનને જોડતી મહત્ત્વપૂર્ણ કડી તેમજ મુંબઈના સબર્બન રેલ નેટવર્કનું મુખ્ય કેન્દ્ર છે.

મહાપરિનિર્વાણ દિનની સમીક્ષા બેઠકમાં CM ફડણવીસની જાહેરાત

બીજી તરફ, આગામી 6 ડિસેમ્બરના રોજ યોજાનારા મહાપરિનિર્વાણ દિનની તૈયારીઓ અંગે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે દાદર સ્ટેશનનું નામ બદલવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને રાજ્ય સરકારે પહેલેથી જ સૈદ્ધાંતિક મંજૂરી આપીને કેન્દ્ર સરકારને જાણ કરી દીધી છે. કેન્દ્ર તરફથી વિધાનસભા સમિતિ અંગે મળેલી ચોક્કસ માર્ગદર્શિકા મુજબ, આગામી વિધાનસભા સત્રમાં જરૂરી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરીને સત્તાવાર નામકરણનો માર્ગ મોકળો કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે મહાપરિનિર્વાણ દિને મુંબઈ આવનારા લાખો અનુયાયીઓ માટે સુરક્ષા, આરોગ્ય અને ટ્રાફિક વ્યવસ્થાપનની યોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા તંત્રને નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત