સીમાંકન બિલ પર રાજકીય ભૂકંપ: સ્ટાલિન-પવારને મનાવવા બે ફ્લાઈટ્સમાં વિપક્ષી દિગ્ગજ નેતાઓની દોડધામ

સીમાંકન બિલ પર રાજકીય ભૂકંપ: સ્ટાલિન-પવારને મનાવવા બે ફ્લાઈટ્સમાં વિપક્ષી દિગ્ગજ નેતાઓની દોડધામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સંસદના વિશેષ સત્રમાં રજૂ થનારા સીમાંકન બિલ (Delimitation Bill) અને મહિલા અનામત બિલને લઈને દેશના રાજકારણમાં અભૂતપૂર્વ હાઇ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. ભારતીય રાજકારણના ઈતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ એક બિલને રોકવા માટે વિપક્ષી ગઠબંધનના ટોચના નેતાઓએ આટલો હાઈ-વોલ્ટેજ ડ્રામા અને આકાશ-પાતાળ એક કરતી દોડધામ કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

એનડીએ સરકારના આ બિલને વિપક્ષના જ સાથી પક્ષો ગણાતા DMK અને NCP (શરદ પવાર જૂથ)એ સમર્થનના સંકેત આપતા કોંગ્રેસ સહિતની વિપક્ષી છાવણીમાં જાણે ભૂકંપ આવી ગયો છે. 'ડેમેજ કંટ્રોલ' કરવા માટે આજે રવિવારે સવારથી જ દિલ્હીથી ચેન્નઈ અને ત્યાંથી મુંબઈ સુધી વિપક્ષી નેતાઓનું 'સ્પેશિયલ એર-ઓપરેશન' શરૂ થઈ ગયું છે.

જાહેરાત

આખરે આ બિલના આટલા વિરોધનું કારણ શું છે?

આ બિલ માટે વિપક્ષનો સૌથી મોટો ડર લોકસભાની બેઠકોની સંખ્યા અને તેનાથી બદલાતા રાજકીય સમીકરણોને લઈને છે. કેન્દ્રના પ્રસ્તાવ મુજબ લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાની તૈયારી છે. વિપક્ષનું માનવું છે કે જો વસ્તીના આધારે આ રીતે બેઠકો વધશે, તો ઉત્તર ભારતના રાજ્યોમાં બેઠકો ખૂબ વધી જશે અને દક્ષિણ ભારતના રાજ્યોનું રાજકીય મહત્ત્વ ઘટી જશે.

આ ઉપરાંત, રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓનો આરોપ છે કે ભાજપ આ બિલ દ્વારા દેશનો ચૂંટણી નકશો પોતાના ફાયદા મુજબ બદલી નાખશે, જેનાથી ભવિષ્યમાં ભાજપને સત્તામાંથી હટાવવું અશક્ય બની જશે. વિપક્ષની માંગ છે કે 2011ની જૂની વસ્તી ગણતરીને બદલે 2027ની જાતિગત વસ્તી ગણતરી (Caste Census) બાદ જ સીમાંકન થવું જોઈએ અને તેમાં OBC મહિલાઓને અલગ અનામત મળવી જોઈએ.

બે ફ્લાઈટ્સમાં દિગ્ગજોની ફોજ, જાણો કોણ ક્યારે અને ક્યાં જશે?

આ મુદ્દે સાથી પક્ષોને મનાવવા માટે વિપક્ષે પોતાની આખી 'હેવીવેઈટ' ફોજ મેદાનમાં ઉતારી છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ દિલ્હીથી બે અલગ-અલગ વિમાનોમાં વિપક્ષી નેતાઓએ ઉડાન ભરી છે:

ફ્લાઈટ નંબર 1: આ વિમાનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, અભિષેક બેનર્જી, આરજેડી (RJD) ના મીસા ભારતી અને ફ્લોર લીડર, સમાજવાદી પાર્ટીના બે સાંસદો, વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને CPM ના એમ.એ. બેબી રવાના થયા છે.

ફ્લાઈટ નંબર 2: બીજા વિમાનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, કર્ણાટકના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમાર અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામેલ છે. (કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકોમાં જોડાઈ રહ્યા છે).

આ મિશનનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

પહેલો તબક્કો- ચેન્નઈમાં બપોરે 2 થી 5 વાગ્યા સુધી: તમામ નેતાઓ બપોરે 2 વાગ્યે ચેન્નઈ પહોંચી રહ્યા છે, જ્યાં તમિલનાડુના પૂર્વ CM અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન સાથે બપોરે 2 થી 5 વાગ્યા સુધી મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે.
બીજો તબક્કો- મુંબઈમાં રાત્રે 8 થી 9 વાગ્યા સુધી: ચેન્નઈની બેઠક પૂર્ણ કરી સમગ્ર પ્રતિનિધિમંડળ સાંજે મુંબઈ જવા રવાના થશે અને રાત્રે 8 વાગ્યે મુંબઈ પહોંચશે. નાદુરસ્ત તબિયતને કારણે ઉદ્ધવ ઠાકરે ચેન્નઈ જઈ શક્યા નથી, પરંતુ તેઓ મુંબઈમાં આ પ્રતિનિધિમંડળ સાથે જોડાશે અને રાત્રે 9 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા શરદ પવાર સાથે મુલાકાત કરશે.

બ્રધર' સ્ટાલિનને રાહુલની અપીલ અને સ્ટાલિનનો જવાબ!

ચેન્નઈ ઉડાન ભરતા પહેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ભાવુક અને આક્રમક પોસ્ટ કરીને એમ.કે. સ્ટાલિનને 'ભાઈ' (Brother Stalin) ગણાવ્યા હતા અને સીમાંકન બિલનો વિરોધ કરવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યું કે, લોકસભાની બેઠકો 850 કરવી એ ભારતમાં લોકશાહી ખતમ કરી નાખશે, તેથી બંધારણ અને તમિલનાડુના હિતમાં આપણે સાથે મળીને આ બિલને હરાવવું પડશે.

જોકે, રાહુલ ગાંધીની આ દોડધામ પર એમ.કે. સ્ટાલિને ઠંડુ પાણી રેડી દીધું છે. સ્ટાલિને પણ વળતી પોસ્ટમાં રાહુલને 'ભાઈ' કહીને આભાર માન્યો, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, ‘અમે હંમેશા તમિલનાડુના હિતને સર્વોપરી રાખીને નિર્ણય લીધો છે. આ રસ્તેથી અમે કોઈ સમાધાન નહીં કરીએ, ઈતિહાસ અમને વીર 'કટ્ટાબોમ્મન' તરીકે યાદ રાખશે, ગદ્દાર 'એટ્ટપ્પન' તરીકે નહીં.’ બીજી તરફ, DMK ના પ્રવક્તાઓએ કોંગ્રેસની આ મુલાકાતને માત્ર એક 'ફોટો ઈવેન્ટ' ગણાવી છે. 

નોંધનીય છે કે, વીરપાંડિયા કટ્ટાબોમ્મન 18મી સદીમાં હાલના તમિલનાડુના પાંચાલનકુરિચીના એક સરદાર એટલે કે પાલૈયાક્કારર હતા, જેમણે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડાઈ લડી હતી. બીજી તરફ, તમિલ લોકકથાઓ અને બોલચાલમાં 'એટ્ટાપ્પન' શબ્દનો ઉપયોગ કોઈ ગદ્દાર કે વિશ્વાસઘાતી વ્યક્તિ માટે થાય છે, જે અપમાનજનક શબ્દ છે.

પિક્ચર અભી બાકી હૈ બ્રો…: જયરામ રમેશ

એક તરફ DMK ના સાંસદો ગૃહમંત્રી અમિત શાહને મળીને બિલને સમર્થન આપી ચૂક્યા છે અને શરદ પવારની પાર્ટીએ પણ બિલને ટેકો જાહેર કર્યો છે, ત્યારે કોંગ્રેસ હજુ હાર માનવા તૈયાર નથી. કોંગ્રેસ મહા સચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને સસ્પેન્સ વધારતા લખ્યું છે કે, ‘પિક્ચર અભી બાકી હૈ બ્રો!’

નોંધનીય છે કે, આવતીકાલે, 30 નવેમ્બરથી સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં સરકાર સીમાંકન બિલ રજૂ કરશે. હવે જોવાનું એ રહેશે કે ખડગે, સોનિયા, રાહુલ અને મમતાની આ 'સુપરફાસ્ટ મુલાકાતો' સ્ટાલિન અને શરદ પવારનું મન બદલી શકે છે કે પછી વિપક્ષી એકતાના ધજાગરા વચ્ચે આ બિલ સંસદમાં સરળતાથી પાસ થઈ જાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત