મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી IGI એરપોર્ટ પર થયેલા અકસ્માત મામલે પોલીસે નોંધ્યો ગુન્હો, એક વ્યક્તિનું થયું હતું મોત

દિલ્હી-એનસીઆરમાં શુક્રવારના વરસાદે લોકોને રાહતની સાથે-સાથે પરેશાની પણ આપી હતી,

દિલ્હી IGI એરપોર્ટ પર થયેલા અકસ્માત મામલે પોલીસે નોંધ્યો ગુન્હો, એક વ્યક્તિનું થયું હતું મોત

દિલ્હી-એનસીઆરમાં શુક્રવારના વરસાદે લોકોને રાહતની સાથે-સાથે પરેશાની પણ આપી હતી, તો બીજી તરફ દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એરપોર્ટ ટર્મિનલ-1 પર પાર્કિંગની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 ઘાયલ થયા હતા.

પોલીસે IGI એરપોર્ટ પર થયેલા અકસ્માત અંગે કેસ નોંધ્યો છે. બેદરકારીના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. દિલ્હી એરપોર્ટ પર અકસ્માતમાં પોલીસે IPCની કલમ 304A / 337 હેઠળ કેસ નોંધ્યો છે.

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર આ દુર્ઘટનાને કારણે એર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઈન્ડિગો એરલાઈન્સે આ અંગે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરી છે. માહિતી અનુસાર, ટર્મિનલ 1 પર પહોંચનારી તમામ ઈન્ડિગો ફ્લાઈટ્સ શુક્રવાર, 28 જૂનની મધરાત 12 સુધી રદ કરવામાં આવી છે.

IGI એરપોર્ટ પર પહોંચેલા નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, એરપોર્ટ ટર્મિનલની છત પડવાની ઘટનાના મુદ્દાને સરકારે ગંભીરતાથી લીધો છે. આ બાબતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયા અને ઘાયલોને 3 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની પણ જાહેરાત કરી હતી. મંત્રીએ કહ્યું કે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે, કોઈની પણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે સવારે ટર્મિનલ 1 ની છત ધરાશાયી થવાના કારણે સર્જાયેલા દુઃખદ અકસ્માત બાદ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અકસ્માત માટે મોદી સરકારના ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો છે, ત્યારે હવે મોદી સરકારે જવાબ આપતા કહ્યું કે, એરપોર્ટમાં જે ભાગ તૂટ્યો તે વર્ષ 2009માં કોંગ્રેસ સરકારના રાજમાં (યુપીએ સરકાર દરમિયાન) બાંધવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, વરસાદ બાદ દિલ્હી એરપોર્ટની છત પડવા મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, ' મોદી સરકારના છેલ્લા 10 વર્ષોમાં નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા મામલે ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી જવાબદાર છે. દિલ્હી એરપોર્ટ (T1)નીછત પડવી, જબલપુર એરપોર્ટની છત ધરાશાયી થવી, અયોધ્યાના નવા રસ્તાઓની ખરાબ સ્થિતિ, રામ મંદિરમાં પાણી ટપકવું, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડમાં તિરાડો, 2023 અને 2024માં બિહારમાં 13 નવા પુલ તૂટવાને આરે છે. પ્રગતિ મેદાન ટનલનું વારંવાર ડૂબી જવું, ગુજરાતમાં મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના... આ એવા કેટલાક ઉદાહરણો છે જે મોદીજી અને ભાજપ દ્વારા વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના મોટા મોટા દાવાઓની પોલને ખુલ્લી પાડે છે.

આ સમાચાર શેર કરો