VIDEO: 'વિરોધ કેમ કરવો એ હું શીખવાડું', સંસદમાં હોબાળો મચાવવા મુદ્દે PM મોદીનો વિપક્ષ પર કટાક્ષ

સંસદનું શિયાળુ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવી ઘણા સાંસદો વેલમાં ધસી ગયા હતા. વિપક્ષે SIR પરત ખેંચવાની માંગણી સાથે લોકસભામાં હોબાળો મચાવ્યો. ત્યારબાદ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.
PM મોદીએ નવા રાજ્યસભા અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું હતું.પીએમ મોદીએ શિયાળુ સત્રના પ્રારંભ પહેલા કહ્યું કે, વિપક્ષે ચૂંટણીમાં મળેલી હારની નિરાશામાંથી બહાર નીકળીને ગૃહમાં મજબૂત મુદ્દાઓ ઉઠાવે.સંસદમાં ડ્રામા નહીં, ડિલીવરી હોવી જોઈએ. જો વિપક્ષ ઇચ્છે તો હું તેમને પ્રદર્શન કેવી રીતે કરવું તેની ટિપ્સ આપવા તૈયાર છું. PMએ કહ્યું, કેટલાક પક્ષો તેમની ચૂંટણીની હાર પચાવી શકતા નથી.
PM મોદીએ કહ્યું કે, આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યને વધુ ઉર્જાવાન બનાવવાની તક છે.રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ. એક કે બે પક્ષો બિહારના પરિણામોથી આગળ વધી શકતા નથી. આ સત્ર હારની હતાશા કે જીતના ઘમંડનું મેદાન ન બને. સદનના માધ્યમથી દેશને પ્રગતિના રસ્તે આગળ વધારવા મહત્ત્વ પૂર્ણ વિષયો પર ચર્ચા, મહત્ત્વપૂર્ણ નિર્ણય અને તેમાં તમારું માર્ગદર્શન આપણા બધા માટે અમૂલ્ય છે.
કોંગ્રેસે પીએમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "પીએમનું આ નિવેદન માત્ર દંભ છે.સૌથી મોટા ડ્રામેબાજ છે એ જ ડ્રામા વિશે વાત કરે છે.
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ત્રણ બિલ રજૂ કરાયા
નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળા વચ્ચે આ બિલો લોકસભામાં રજૂ કર્યા હતા. લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST (બીજો સુધારો) બિલ 2025, સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારો) બિલ અને આરોગ્ય સુરક્ષા તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ પણ રજૂ કર્યું છે.
જણાવી દઈએ કે, 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં 15 બેઠકો યોજાશે. જેમાં એટોમિક એનર્જી બિલ સહિત 10 નવા બિલ રજૂ થઈ શકે છે.

