“ભારતના ઈતિહાસમાં આ એક ઐતિહાસિક સિદ્ધિ”, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પીએમ મોદીએ કર્યું ટ્વીટ
Lok Sabha Elections Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Lok Sabha Elections Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે લોકોએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
હું જનતાને આ સ્નેહ માટે સલામ કરું છું અને ખાતરી આપું છું કે અમે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છેલ્લા દાયકામાં કરેલા સારા કામને ચાલુ રાખીશું. હું અમારા તમામ કાર્યકરોને તેમની મહેનત માટે સલામ કરું છું. તેમના અસાધારણ પ્રયત્નોને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.
આ રાજ્યોમાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું
NDA મધ્ય પ્રદેશમાં તમામ 29 બેઠકો જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો આ સાથે જ અરુણાચલ પ્રદેશની 2 બેઠક, ત્રિપુરાની 2 બેઠક, હિમાચલ પ્રદેશની 4 બેઠક, ઉત્તરાખંડની 5 બેઠક અને રાજધાની દિલ્હીની 7 બેઠકો પર ભાજપ આગળ છે. આ બધાને એકસાથે મૂકીને, ભાજપ 5 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 49 બેઠકો પર એકતરફી જીત નોંધાવવાની તૈયારી કરી રહ્યું છે.
ઓડિશામાં 24 વર્ષો બાદ નવીન પટનાયકનો કિલ્લો ધ્વસ્ત, લોકસભા અને વિધાનસભા બંનેમાં ભાજપનું વર્ચસ્વ
ઓડિશામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી બંને એકસાથે યોજાઈ હતી. જેમાં વિધાનસભાની વાત કરીએ તો ભાજપે 72 બેઠકો પર જ્યારે બીજેડીએ 57 બેઠકો પર લીડ મેળવી છે. તેની સામે 15 બેઠકો હાલ કોંગ્રેસના ખાતામાં છે અને 1 ડાબેરી અને 1 અપક્ષ પાસે જતી દેખાય છે. આ દરમિયાન લોકસભાની વાત કરીએ તો 19 બેઠક પર ભાજપ લીડમાં છે અને બીજેડીના ખાતામાં 1 બેઠક જ આવી રહી છે. જ્યારે કોંગ્રેસને 1 જ બેઠક મળી રહી છે.







