PM મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા જશે અમેરિકા, 3 દિવસીય પ્રવાસમાં આ કાર્યક્રમોમાં લેશે ભાગ
પીએમ નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે આ મહિનાના અંતમાં અમેરિકા જશે. 21થી 23 સપ્ટેમ્બર

પીએમ નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે આ મહિનાના અંતમાં અમેરિકા જશે. 21થી 23 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસમાં ક્લાઉડ લીડર્સ સમિટ સિવાય ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચશે અને તેઓ વિલ્મિંગ્ટનમાં યોજાનાર ચોથી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.
અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ 21 સપ્ટેમ્બરે ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂજર્સીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ભાગ લેશે. આ સિવાય 23 સપ્ટેમ્બરે તેઓ સંયુક્ત રાષ્ટ્રના ભાવિ શિખર સંમેલનમાં ભાગ લેશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન પિયરના જણાવ્યા મુજબ યુએસ પ્રમુખ જો બાઈડેન 21 સપ્ટેમ્બરે ડેલાવરમાં ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના નેતાઓ સાથે ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. ક્વાડ લીડર્સ સમિટનો ઉદ્દેશ્ય આ દેશો વચ્ચે વ્યૂહાત્મક સંકલનને મજબૂત કરવા, મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના સહિયારા વિઝનને આગળ વધારવાનો છે. મુખ્ય ક્ષેત્રોમાં ઈન્ડો-પેસિફિકમાં ભાગીદારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. જણાવી દઈએ કે, ક્વાડની રચના ચીનનો સામનો કરવા માટે કરવામાં આવી છે.
જીન-પિયરે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વિલ્મિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાનું સ્વાગત કરવા આતુર છે. દરેક ક્વાડ નેતાઓ સાથેના તેમના ગહન અંગત સંબંધો અને આપણા બધા દેશો માટે ક્વાડના મહત્વ દર્શાવે છે. તેમણે કહ્યું કે ક્વાડ વિદેશ મંત્રીઓ તાજેતરના વર્ષોમાં આઠ વખત મળ્યા છે અને ક્વાડ દેશોની સરકારો તમામ સ્તરે મળવાનું અને સંકલન કરવાનું ચાલુ રાખશે.
આવતા વર્ષે ભારતમાં ક્વાડ કોન્ફરન્સ યોજાશે
જણાવી દઈએ કે, 2025ની ક્વાડ કોન્ફરન્સ ભારતમાં યોજાવાની પુષ્ટિ અમેરિકાએ કરી છે. અગાઉ આ વર્ષે ભારતમાં અને આવતા વર્ષે અમેરિકામાં ક્વાડ સમિટ યોજાવાની હતી. પરંતુ બંને દેશોએ તેની આપ-લે કરી અને હવે આ વર્ષે અમેરિકામાં ક્વાડ સમિટ યોજાશે. અને આવતા વર્ષે ભારતમાં ક્વાડ સમિટ યોજાશે.








