'આજે હું પણ કહું છું કે ડરો નહીં, ભાગશો નહીં....' રાયબરેલીથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ રાહુલ પર પીએમ મોદીના તંજ
દેશમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે બર્ધમાનમાં રેલીને સંબોધી હતી. PM એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક

દેશમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે બર્ધમાનમાં રેલીને સંબોધી હતી. PM એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, મેં પહેલા કહ્યું હતું કે રાહુલ ગાંધી વાયનાડ હારી રહ્યા છે અને તેઓ નવી સીટ શોધી રહ્યા છે. તેમના ચેલાઓ કહેતા હતા કે તે અમેઠીથી લડશે. પરંતુ શહેજાદા એટલા ડરી ગયા છે કે તેઓ વાયનાડથી ભાગીને રાયબરેલી પહોંચી ગયા છે. તે દેશભરમાં ફરીને કહે છે કે ડરશો નહીં... ડરશો નહીં. આજે હું પણ કહેવા માંગુ છું કે ડરશો નહીં... ભાગશો નહીં.
દેશના વિભાજન માટે ચૂંટણી મેદાનનો ઉપયોગ કરી રહ્યા
પીએમ મોદીએ કહ્યું, હું એ પણ જણાવવા માંગુ છું કે કોંગ્રેસ પહેલા કરતા ઓછી સીટો પર સમેટાઈ જશે. આ વખતે ચૂંટણી પહેલા કરતા ઓછી સીટો પર લડવામાં આવી રહી છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોક અંગે પીએમ મોદીએ કહ્યું કે તેઓ ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ દેશના વિભાજન માટે ચૂંટણી મેદાનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ગઠબંધન માત્ર એક વોટ બેંકને સમર્પિત છે.
વાયનાડમાં શહેજાદા ચૂંટણી હારી જશે
પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ છે. કોઈ અભિપ્રાય સર્વેની જરૂર નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે તેમના મોટા નેતાઓ ચૂંટણીનો સામનો નહીં કરે અને ભાગી જશે. તે ભાગીને રાજસ્થાનથી રાજ્યસભાના પાછલા દરવાજેથી સંસદમાં પહોંચી ગયા. વાયનાડમાં શહેજાદા પણ ચૂંટણી હારી જશે. એટલા માટે જ તે બીજી સીટની શોધમાં છે. અને હવે અમેઠીમાં લડવાથી ડરીને રાયબરેલી ભાગી ગયા છે. હું તેમને કહેવા માંગુ છું, ડરશો નહીં, ભાગશો નહીં.
વોટ જેહાદનો ખેલ પડદા પાછળ ચૂપચાપ રમાઈ રહ્યો હતો
પીએમ મોદીએ કહ્યું, આપણા દેશમાં દાયકાઓથી વોટ જેહાદનો ખેલ પડદા પાછળ ચૂપચાપ રમાઈ રહ્યો હતો. પહેલીવાર તેઓ એટલા હેબતાઈ ગયા કે હવે તેઓ જાહેરમાં વોટ જેહાદની જાહેરાત કરી રહ્યા છે. વોટ જેહાદની આ અપીલ પર કોંગ્રેસનો રાજવી પરિવાર, ટીએમસીનો પરિવાર અને ડાબેરી પરિવાર ચૂપ છે. તેનો અર્થ એ કે INDI એલાયન્સના તમામ ભાગીદારો વોટ જેહાદ સાથે સંમત છે. આ વોટના ભૂખ્યા લોકોને પહેલા બે તબક્કાના મતદાનમાં નાવ ડૂબી ગઈ છે. હવે નવી રમત લઈને આવ્યા છે. હવે તેઓ કહે છે કે મોદી વિરુદ્ધ વોટ જેહાદ કરો. જેહાદ શું છે એ આપણા દેશના લોકો સારી રીતે જાણે છે.
કોંગ્રેસને સતત 3 પડકારો આપી રહ્યો છું
પીએમે કહ્યું, હું છેલ્લા 10 દિવસથી કોંગ્રેસને સતત 3 પડકારો આપી રહ્યો છું, પરંતુ તેઓ મૌન થઈને બેસી ગયા છે. મારો પહેલો પડકાર છે - કોંગ્રેસ અને INDI ગઠબંધન દેશને લેખિત ખાતરી આપે કે તેઓ બંધારણમાં ધર્મના આધારે આરક્ષણમાં કોઈ ફેરફાર નહીં કરે. મારો બીજો પડકાર છે - દેશને લેખિતમાં વચન આપે કે તેઓ એસસી/એસટી અને ઓબીસી પાસેથી આરક્ષણ નહીં છીનવે અને ધર્મના આધારે કોઈને વહેંચશે નહીં. મારો ત્રીજો પડકાર છે - તેઓ લેખિતમાં આપે કે જ્યાં પણ રાજ્ય સરકારો છે ત્યાં OBC ક્વોટામાં કાપ મૂકીને ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપવામાં આવશે નહીં.
હિન્દુઓ સાથે અહીં ઓરમાયું વર્તન થાય છે
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ઘેરતા કહ્યું કે હિન્દુઓ સાથે અહીં ઓરમાયું વર્તન થાય છે. ટીએમસીના એક ધારાસભ્યે ખુલ્લેઆમ ધમકી આપી છે કે ભાગીરથીમાં હિંદુઓ બે કલાકમાં વહાવી દઈશું. આ કઈ ભાષા છે? આ કેવી વાસ્તવિક સ્થિતિ છે. બંગાળમાં હિન્દુઓ સાથે શું થઈ રહ્યું છે? જય શ્રી રામ બોલવામાં તાવ આવે છે. તેમને રામ મંદિરના નિર્માણ સામે વાંધો છે. રામ નવમીની શોભાયાત્રા સામે વાંધો છે. સંદેશખાલીમાં આટલી મોટી ઘટના બની અને ટીએમસી તે ગુનેગારને બચાવી રહી છે કારણ કે તેનું નામ શાહજહાં શેખ હતું. સંદેશ ખાલીની બાળાઓનું ગીત સાંભળીને હું રડી પડ્યો.
ગરીબી દૂર કરવા મહેનત કરી રહ્યો છુંઃ મોદી
ભારતમાંથી ગરીબી દૂર કરવા હું જીજાન લગાવીને મહેનત કરી રહ્યો છું. મારી મહેનતમાં ગરીબોનો સાથ છે. ભારત વિકસિત થશે તો દરેક નાગરિકને લાભ થશે. એનાથી દરેક ભારતીયની આવક વધશે. બંગાળના લોકોની આવક વધશે. મેં નક્કી કરી લીધું છે કે જેને જેટલી ગાળો દેવી હોય તે દે... હું એટલી જ ઝડપથી વિકાસનું કામ કરતો રહીશ.








