જ્યોર્જિયા મેલોનીથી મેક્રોન અને બાઈડેન.., PM MODI ઇટાલીમાં આ વૈશ્વિક નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત
પીએમ નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચી ગયા છે. ઈટાલીમાં યોજાનારી આ કોન્ફરન્સમાં અમેરિકાથી લઈને ફ

પીએમ નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચી ગયા છે. ઈટાલીમાં યોજાનારી આ કોન્ફરન્સમાં અમેરિકાથી લઈને ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને અન્ય વૈશ્વિક સ્તરના અનેક મોટા નેતાઓ ભાગ લેશે. મળતી માહિતી મુજબ આ સમીટ દરમિયાન પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને મળી શકે છે. આ સિવાય ઈટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે.
મળતી માહિતી મુજબ પીએમ મોદી શુક્રવારે જુદા જુદા દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકમાં શામે થઈ શકે છે. ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોની, ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ ઋષિ સુનક, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી શકે છે. સુલિવાને કહ્યું કે, બાઈડેન પીએમ મોદીને મળવાની આશા છે. જણાવી દઈએ કે G-7 આઉટરીચ સમિટ દરમિયાન આ તમામ બેઠકો ઈટાલીમાં થઈ શકે છે.
ઈટાલી જતા અગાઉ પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે, મને ખુશી છે કે મારા સતત ત્રીજા કાર્યકાળમાં પહેલી યાત્રા જી-7 સમિટમાં ભાગ લેવા માટે ઈટાલીની છે. મને 2021માં જી-20 સમિટ માટે મારી ઈટાલીની મુલાકાત યાદ છે. ગત વર્ષે પીએમ મેલોનીએ ભારતની બે વખત કરેલી મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય કાર્ય એજન્ડાને વેગ મળ્યો હતો. ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને હિંદ-પ્રશાંત તેમજ ભૂમધ્ય સાગરીય વિસ્તારોમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
G7 સમિટમાં ચર્ચા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઉટરીચ સત્રમાં ચર્ચા દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનાર G-20 સમિટ અને આગામી G-7 સમિટના પરિણામો વચ્ચે વધુ તાલમેલ લાવવાની અને વૈશ્વિક દક્ષિણ માટે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની આ એક તક હશે.






