PM મોદી પોલેન્ડ માટે રવાના થયા, 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત; ત્યાંથી જશે યુક્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. અગાઉ 1979માં મોરારજી દેસાઈ ત્યાં ગયા હતા.
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'વર્સો માટે રવાના થઈ રહ્યા છીએ. પોલેન્ડની આ મુલાકાત ખાસ સમયે આવે છે - કારણ કે આપણે આપણા દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 70 વર્ષની ઉજવણી કરીએ છીએ. ભારત પોલેન્ડ સાથે ઊંડી મિત્રતાને ચાહે છે. લોકશાહી અને બહુલવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા આ વધુ મજબૂત બને છે. હું રાષ્ટ્રપતિ અને પીએમ સાથે વાત કરીશ, હું આજે સાંજે વોરર્સોમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરીશ.
પીએમ મોદીએ બીજી પોસ્ટમાં કહ્યું, 'હું રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેન જઈશ. આ મુલાકાત તેમની સાથે અગાઉની ચર્ચાઓને આગળ વધારવા અને ભારત-યુક્રેન મિત્રતાને વધુ ગાઢ બનાવવાની તક હશે. અમે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર અમારા મંતવ્યો પણ શેર કરીશું. એક મિત્ર અને ભાગીદાર તરીકે, અમે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાના વહેલા પાછા આવવાની આશા રાખીએ છીએ.’
ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 21-23 ઓગસ્ટ સુધી પોલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે.
મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ-પીએમ અને ભારતીય સમુદાયને મળશે
ભારતીય વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. સૌથી પહેલા પોલેન્ડની રાજધાની વોર્સોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને ત્યારબાદ વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં હાજરી આપશે.
વડાપ્રધાન મોદી પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. પોલેન્ડમાં ભારતીય સમુદાયના 25 હજાર લોકો રહે છે. તેમાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. વડાપ્રધાન જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓના સ્મારકોની પણ મુલાકાત લઈ શકે છે. તે ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. મહારાજા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો પોલિશ શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો.
ભારત વિશ્વનો અવાજ છે - પોલેન્ડના રાજદૂત
વડાપ્રધાન મોદીની પોલેન્ડ મુલાકાત દરમિયાન પોલેન્ડના રાજદૂત સેબેસ્ટિયન ડોમઝાલ્સ્કીએ કહ્યું કે ભારત વિશ્વનો અવાજ છે. મોદીની મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે એક શક્તિશાળી સંદેશ આપશે કે ભારત શાંતિના પક્ષમાં છે. તેમની મુલાકાત દરમિયાન ટેક્નોલોજી, ડિફેન્સ અને સિક્યુરિટી ચર્ચાના મહત્વના વિષયો હશે.
25 જૂન, 1955ના રોજ નેહરુ પ્રથમ વખત પોલેન્ડ ગયા હતા
સૌથી પહેલા ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુ 25 જૂન 1955ના રોજ પોલેન્ડ ગયા હતા. આ પછી ઈન્દિરા ગાંધી 8 ઓક્ટોબર 1967ના રોજ પોલેન્ડની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ મોરારજી દેસાઈ 14 જૂન 1979ના રોજ પોલેન્ડની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વડાપ્રધાન હતા. હવે 45 વર્ષ પછી મોદી ત્યાં જઈ રહ્યા છે.
પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે
પોલેન્ડ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે. મોદી પોલેન્ડથી ટ્રેન દ્વારા યુક્રેન જશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ પહેલા પીએમ મોદી 8 અને 9 જુલાઈના રોજ પણ રશિયા ગયા હતા.
વડા પ્રધાનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન થોડા દિવસોથી રશિયન સરહદ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે.
ભારત અને પોલેન્ડ વચ્ચે વેપાર વધ્યો
ભારત અને પોલેન્ડ વચ્ચે 2023માં 5.72 અબજ ડોલરનો વેપાર થવાની ધારણા છે. 2013 થી 2023 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર 192% વધ્યો છે. 2023માં, ભારતે પોલેન્ડ સાથે $3.95 બિલિયનની નિકાસ અને $1.76 બિલિયનની આયાત કરી હતી.
પોલેન્ડમાં ભારતનું 3 બિલિયન ડોલરથી વધુનું રોકાણ છે. ભારતીય IT કંપનીઓ પોલેન્ડમાં લગભગ 10,000 લોકોને રોજગારી આપે છે. તે જ સમયે, પોલેન્ડનું ભારતમાં 685 મિલિયન ડોલરનું રોકાણ છે.








