'રાહુલ ગાંધી જેવું ના કરતા', NDA સંસદીય દળની બેઠકમાં સાંસદોને પીએમ મોદીએ આપી આ સલાહ
રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે છેલ્લા બે દિવસથી લોક

રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે છેલ્લા બે દિવસથી લોકસભામાં તેમજ રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. ગઈ કાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વિવિધ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આજે પીએમ મોદી 4 કલાકે લોકસભામાં તમામ સવાલોના જવાબો આપશે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સાંસદો સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ સાંસદોને ખાસ કરીને પ્રથમ વખત સાંસદ બનેલા લોકોને ખાસ સલાહ આપી હતી કે, તમે લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જેવું વર્તન ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો.
આ બેઠકમાં વિપક્ષને સંબોધી વડાપ્રધાને જણાવ્યું હતું કે, જવાહરલાલ નેહરૂ બાદ સતત ત્રીજી વખત એક ચા વાળો વડાપ્રધાન બન્યો હોવાથી અમુક લોકો અકળાયા છે, બેફામ બન્યા છે. લોકસભા અને રાજ્ય સભામાં ચર્ચાઓ વચ્ચે એનડીએની બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના સંબોધન બદલ આભાર વ્યક્ત કરવા યોજાઈ હતી.
દેશ સેવાને પ્રાધાન્ય આપવા અપીલ
બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યુ હતું કે, “આજે વડાપ્રધાને અમને એક મહત્ત્વનો મંત્ર આપ્યો છે. તેમણે ચૂંટાયેલા તમામ સાંસદોને દેશ સેવાને પોતાની પ્રથમ પ્રાથમિકતા બનાવવા આહ્વાન કર્યું છે. એનડીએના પ્રત્યેક સાંસદે દેશને પ્રાધાન્ય આપતાં કામગીરી કરવાની રહેશે. તેમજ સંસદમાં નિયમોને આધિન તેમની બેઠક વિસ્તાર સંબંધિત મુદ્દાઓ રજૂ કરવાના રહેશે. લોક હિત માટેના મુદ્દાઓમાં નિપુણતા પણ કેળવવા આદેશ કર્યો છે."
PM મોદીની દરેક સાંસદને વિનંતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સાંસદને વિનંતી કરી છે કે, “તેઓ તેમના પરિવારજનો સાથે પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લે. જેની પાછળ કોઈ રાજકીય એજન્ડા નથી. આ પ્રયાસ કરવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, લોકો દરેક વડાપ્રધાનના યોગદાન વિશે જાણે છે, તેને બિરદાવે અને તેમાંથી શીખ મેળવે.” રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં ભાજપના હિન્દુત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમજ આગામી ચૂંટણીમાં ગુજરાતમાં બહુમતી સાથે જીત હાંસલ કરવાનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ એનડીએ હિંસાત્મક હોવાનો દાવો કર્યો હતો. જેમાં વડાપ્રધાન મોદી સહિત એનડીએ સરકારે દેશના પ્રત્યેક હિન્દુઓને હિંસક ગણાવવા બદલ માફી માગવા કહ્યું હતું.







