મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મારો આગલો જન્મ કદાચ બંગાળમાં થશે...', માલદામાં મમતા સરકાર પર પીએમ મોદીના પ્રહાર

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભાજપના પ્રચાર અર્થે પશ્ચિમ બંગાળમાં પહોંચેલા પીએમ મોદીએ શુક્રવારે માલદામાં રેલીને સ

'મારો આગલો જન્મ કદાચ બંગાળમાં થશે...', માલદામાં મમતા સરકાર પર પીએમ મોદીના પ્રહાર

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભાજપના પ્રચાર અર્થે પશ્ચિમ બંગાળમાં પહોંચેલા પીએમ મોદીએ શુક્રવારે માલદામાં રેલીને સંબોધતા કહ્યું કે, તમે લોકો એટલી બધી મોટી સંખ્યામાં આવ્યા છો કે મેદાન નાનું થઈ ગયું. પીએમ મોદીએ કહ્યું કે તમે લોકો અહીં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. આ માટે હું તમારા બધાની માફી માંગુ છું. બંગાળ માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, હું તમારો પ્રેમ વિકાસ દ્વારા પરત કરીશ. આટલું જ નહીં, બંગાળ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, મને લાગે છે કે કાં તો હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા મારો આગલો જન્મ અહીં થવાનો છે.

મમતાની ટીએમસી સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, અહીં શું શું નથી થતું. શિક્ષક ભરતી કૌભાંડ, રાશન કૌભાંડ બધું અહીં ચાલી રહ્યું છે. અમે દિલ્હીથી બંગાળના લોકોને જે પૈસા મોકલીએ છીએ તે ટીએમસીના શાહુકારો દ્વારા રોકી દેવામાં આવે છે. આ લોકો પૈસા ખાય જાય છે. આ લોકોએ આયુષ્માન યોજના બંધ કરી દીધી છે. આ યોજના હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળે છે. આ સિવાય અમે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બંગાળના ખેડૂતોને 8,000 કરોડ રૂપિયા મોકલ્યા છે. એ પણ મમતા દીદીની સરકારે રોકી દીધા છે.

વડાપ્રધાને કહ્યું કે ટીએમસીને તમારી ચિંતાઓ અને સમસ્યાઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ ઈચ્છે છે કે વંદે ભારત ટ્રેન બંગાળમાં બંધ થઈ જાય. અમે કહીએ છીએ કે માલદાના ખેડૂતોની કેરી અને મખાના આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમની આવક વધવી જોઈએ અને તેમને વધુ પૈસા મળવા જોઈએ. અમે કહીએ છીએ કે અમે આ માટે ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવીશું, પણ ટીએમસીના લોકો કહે છે કે અમને કટકી મળવી જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મા, માટી અને માનુષના નામ પર આવેલી ટીએમસીએ મહિલાઓને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. અમે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો, પરંતુ ટીએમસી સરકાર તેની વિરુદ્ધ રહી. આ સિવાય તે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરનાર વ્યક્તિને બચાવતી રહી.

આ દરમિયાન પીએમ મોદીએ નાગરિકતા સંશોધન કાયદા પર પણ ઘણી વાત કરી. તેમણે કહ્યું કે જો કોઈ દેશમાં હિન્દુ, બૌદ્ધ, શીખ અને ઈસાઈ લોકો પર અત્યાચાર થાય છે તો તેઓ ક્યાં જશે. તેમના માટે જગ્યા ક્યાં છે? અમે એવા લોકોને નાગરિકતા આપી રહ્યા છીએ. તો પછી મમતા સરકારને આમાં તકલીફ શું છે? આટલું જ નહીં, તેમણે ફરી એકવાર રાહુલ ગાંધીની સંસાધનોની પુનઃવિતરણવાળા નિવેદન પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે તેઓ કહે છે કે અમારી પાસે એક્સ-રે છે, જેના દ્વારા અમે જાણીશું કે કોની પાસે શું છે અને તે લઈ લેશે. ટીએમસીના લોકો પણ રાહુલ ગાંધીના આ ઈરાદા સાથે છે.

આ સમાચાર શેર કરો