‘મહેનતથી ભેગી કરેલી સંપત્તિ તમારા બાળકોને નહીં મળે’, સૈમ પિત્રોડાના નિવેદન પર PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સરગુજામાં ચૂંટણી રેલીને સંબોધતા સૈમ પિત્રોડાના વારસાગત ટેક્સના નિવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સરગુજામાં ચૂંટણી રેલીને સંબોધતા સૈમ પિત્રોડાના વારસાગત ટેક્સના નિવેદનને લઇને પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ઇરાદા સારા નથી. હવે તેમના ખતરનાક ઇરાદા ખુલીને સામે આવી ગયા છે, માટે હવે તે ઇંહેરિટેન્સ ટેક્સની વાત કરી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની નજર તમારી કમાણી, તમારા મકાન, દુકાન, ખેતર પર છે. કોંગ્રેસના શહેજાદાનું કહેવું છે કે તે દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનું એક્સ રે કરશે. અમારી માતા અને બહેનો પાસે જે થોડુ ઘણુ સ્ત્રી ધન છે, ઘરેણા અને જ્વેલરી છે. કોંગ્રેસ તેની પણ તપાસ કરાવશે. માતા અને બહેનોના મંગળસૂત્ર પણ છીનવી લેશે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ તમારા માતા-પિતાનો વારસો છીનવી લેશે. કોંગ્રેસનું કહેવું છે કે તે વારસાગત ટેક્સ લગાવશે. આ નથી ઇચ્છતા કે તમારી મહેનતથી જે સંપત્તિ ભેગી કરી છે, તે તમારા બાળકોને ના મળે. તે નથી ઇચ્છતા કે ભારતીય પોતાની સંપત્તિ પોતાના બાળકોને ના આપે, આ પાર્ટી પર અર્બન નક્સલનો કબ્જો છે. આ તમારી દુકાન અને મકાન બધુ છીનવી લેશે.
કોંગ્રેસનો એક જ મંત્ર- પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનો એક જ મંત્ર છે. કોંગ્રેસની લૂંટ જીવનની સાથે પણ અને જીવનની પછી પણ. જ્યાર સુધી તમે જીવિત રહેશો, કોંગ્રેસ તમને વધુ ટેક્સથી મારી નાખશે અને જ્યારે તમે જીવિત નહીં રહો તો તમારા પર વારસાગત ટેક્સનો ભાર લાદી દેશે, જે લોકોએ પુરી કોંગ્રેસ પાર્ટીને પોતાની પૈતૃક સંપત્તિ માનીને પોતાના બાળકોને આપી દીધી, હવે તે નથી ઇચ્છતા કે ભારતીય પોતાની સંપત્તિ પોતાના બાળકોને આપે.
મોદીએ કહ્યું કે તમને ખબર છે ને કોંગ્રેસ આ બધુ છીનવીને કોને આપશે? તમને ખબર છે કે આ બધું લૂંટીને કોને આપવામાં આવશે? મારે કહેવાની જરૂર નથી પરંતુ શું તમે આ પાપ કરવા દેશો? કોંગ્રેસને ખબર નથી કે તેમના ઇરાદા સફળ નહીં થાય. જનતા તેમણે આ તક નહીં આપે.








