PM મોદી અને રાહુલ ગાંધી કરશે નવા ચૂંટણી કમિશનરની પસંદગી, 17 ફેબ્રુઆરીએ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની પસંદગી કરશે. નવા ચૂંટણી કમિશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની પસંદગી કરશે. નવા ચૂંટણી કમિશનરની પસંદગી માટે કાયદા મંત્રાલયે 17 ફેબ્રુઆરીએ ત્રણ સભ્યોની કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અર્જુન મેઘવાલ-રાહુલ ગાંધી અને PM મોદી સામેલ થશે. વર્તમાન CEC રાજીવ કુમારના કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહ્યો છે.
2022માં રાજીવ કુમારની CEC પદે થઈ હતી નિમણૂક
પ્રથમ વખત CECની નિમણૂક માટે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023ની જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજીવ કુમારની મે, 2022માં ચીફ ઈલેક્શન કમિશનર તરીકે નિમણૂક થઈ હતી. તેમના નેતૃત્વ હેઠળ, ચૂંટણી પંચે 2024માં લોકસભા ચૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજી હતી.
રાજીવ કુમારે રિટાયરમેન્ટ પ્લાન દર્શાવ્યો
વર્ષ 2023માં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારની દેખરેખ હેઠળ કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થઈ હતી. જાન્યુઆરી, 2025માં દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં રાજીવ કુમારે પોતાનો રિટાયરમેન્ટ પ્લાન રજૂ કર્યો હતો. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, 13-14 વર્ષોથી સતત ફરજ પર કામ કરતો હોવાથી મને સમય જ મળ્યો નથી. હવે રિટાયર થયા બાદ હું ચાર-પાંચ મહિના માટે હિમાલય જઈશ અને ત્યાં મને ડિ-ટોક્સિફાઈ કરવા એકાંતવાસનું જીવન જીવીશ, ધ્યાન કરીશ.








