મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પતંજલિ ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો, IMAનું માફીનામું ફગાવ્યું

પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હત

પતંજલિ ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો, IMAનું માફીનામું ફગાવ્યું

પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ સાથે તેણે IMA પ્રમુખને સખત ઠપકો આપ્યો અને તેમની માફીને પણ ફગાવી દીધી. સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા.

જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે પતંજલિ આયુર્વેદને પૂછ્યું કે, જે દવાઓનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે દવાઓનું વેચાણ રોકવા અને તેને બજારમાંથી પાછી ખેંચવા માટે તમે શું પગલાં ભર્યા છે. આ અંગે પતંજલિને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. પતંજલિ વતી વકીલ બલબીર સિંહે કહ્યું કે, અમે ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

જસ્ટિસ અમાનુલ્લાએ રામદેવના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે, તમારા અસીલને થોડા વર્ષો પહેલા હાર્ટ એટેકના કારણે એઈમ્સમાં જવું પડ્યું હતું. એસ.જી.મહેતાએ જણાવ્યું હતું કે ઘણા એલોપેથિક ડોકટરો આયુર્વેદિક દવાઓ પર વિશ્વાસ કરે છે. આ બાબતે જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે, લોકોને બાબા રામદેવમાં વિશ્વાસ છે. એમણે લોકોને ઓછા ન આંકવા જોઈએ. જસ્ટિસ કોહલીએ રામદેવને કહ્યું કે, યોગમાં તમારું અને તમારી ટીમનું મોટું યોગદાન છે. પરંતુ પતંજલિની પ્રોડક્ટની વાત કરીએ તો તે એક અલગ બાબત છે.

સુપ્રીમ કોર્ટે IMA પ્રમુખ અશોકનને ફટકાર લગાવતા કહ્યું કે તમે આવા શબ્દોનો ઉપયોગ કેમ કર્યો? આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે પણ એવું જ કર્યું જે અન્ય પક્ષ કરે છે. તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો. તમે તમારા હોદ્દા પર બેસીને કોર્ટ વિશે કંઈ ના કહી શકાય. તમે આ કેસના પક્ષકાર છો. અમે તમારી એફિડેવિટથી સંતુષ્ટ નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટમાં હાજર IMA પ્રમુખે પોતાના ઈન્ટરવ્યુ પર સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી હતી.

તમે એના અધ્યક્ષ છો જેના 3.50 લાખ ડોક્ટર છે. તમે લોકો પર કેવી છાપ છોડવા માંગો છો. તમે જાહેરમાં માફી નામ સાથે કેમ ના માગી. તમે પેપરમાં  માફીનામું કેમ ના છપાવ્યું? તમે જવાબદાર વ્યક્તિ છો. તમારે જવાબ આપવો પડશે. તમે ઈન્ટરવ્યૂ આપ્યા પછી તમે શું કર્યું? અમે જાણવા માગીએ છીએ. સુપ્રીમ કોર્ટે IMA અધ્યક્ષનું માફીનામું ફગાવી દેતા કહ્યું અમે આનાથી સંતુષ્ટ નથી.

આ સમાચાર શેર કરો