મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોરેન્સ ગેંગના નામે પપ્પુ યાદવને મળી ધમકી, 'સલમાન મામલે દૂર રહો, રેકી કરી રહ્યો છું મારી નાંખીશ....'

લોરેન્સ ગેંગ દ્વારા બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું કહે

લોરેન્સ ગેંગના નામે પપ્પુ યાદવને મળી ધમકી, 'સલમાન મામલે દૂર રહો, રેકી કરી રહ્યો છું મારી નાંખીશ....'

લોરેન્સ ગેંગ દ્વારા બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું કહેવાય છે. પપ્પુ યાદવને ધમકીભર્યો ફોન કરનારે કહ્યું હતું કે, તે પપ્પુ યાદવની સતત રેકી કરી રહ્યો છે અને તેને જાનથી મારી નાંખશે. આ સિવાય પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. પપ્પુ યાદવે બિહારના ડીજીપીને મામલાની જાણકારી આપતાં આ મામલે કાર્યવાહી થઈ શકે છે.  

ધમકી આપનારે દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જામર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.
  
જણાવી દઈએ કે મુંબઈમાં NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેણે કહ્યું હતું કે જો કાયદો પરવાનગી આપશે તો તે 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારોનું આખું નેટવર્ક ખતમ કરી નાંખશે. પપ્પુ યાદવે બાબા સિદ્દીકીની હત્યાને શરમજનક ગણાવી હતી. તેણે સોશિયલ મીડિયા 'X' પર લખ્યું હતું કે, બિહારના પુત્ર બાબા સિદ્દીકીની હત્યા અત્યંત દુઃખદ છે. જો ભાજપની ગઠબંધન સરકાર પોતાના પક્ષના આવા પ્રભાવશાળી નેતાઓને બચાવવા સક્ષમ ન હોય તો સામાન્ય લોકોનું શું થશે?

જો કે આ પછી પપ્પુ યાદવે યોજેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને લોરેન્સ બિશ્નોઈ વિશે પ્રશ્નો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે પત્રકારોને કહ્યું કે, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ બધા નકામા પ્રશ્નો અહીં ન પૂછો. પ્રેસ કોન્ફરન્સનો પપ્પુ યાદવનો આ વીડિયો પણ વાયરલ થયો હતો.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી 

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને દાઉદ ગેંગના નજીકના લોકોને પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે આવા લોકોએ પોતાનો હિસાબ રાખવો જોઈએ. બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી મોટી હસ્તીઓ આવતી હતી. તેઓ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર)માં જોડાયા હતા.

આ સમાચાર શેર કરો