P2P વ્યવહારો રહેશે તદ્દન મફત, મોટા વેપારીના વ્યવહારો પર 0.4 ટકા MDR; UPI પેમેન્ટ્સ પર નાણા મંત્રાલયની મોટી સ્પષ્ટતા

NPCIએ યુપીઆઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું નવું ફ્રેમવર્ક લાગુ કરવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ રૂ.2,000 સુધીના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે. જ્યારે રૂ.2,000થી વધુના પેમેન્ટ પર વેપારીઓ પાસેથી MDR વસૂલવામાં આવશે. જોકે, આ ચાર્જ ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં અને તેમના માટે યુપીઆઈ પેમેન્ટ પહેલાની જેમ ફ્રી રહેશે. આ નિયમ 15 ઓક્ટોબર, 2026થી લાગુ થશે. દેશભરમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર ચાર્જ લાગવા અંગે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રાલયે પરિસ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. નાણા મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે વ્યક્તિ-થી-વ્યક્તિ વચ્ચે (Person-to-Person - P2P) થતા તમામ UPI વ્યવહારો સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. સામાન્ય ગ્રાહકો પાસેથી P2P પેમેન્ટ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
P2P ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં, રકમ ભલે ગમે તેટલી હોય
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિના ખાતામાં કે મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરે છે, ત્યારે વ્યવહારની રકમ ભલે ગમે તેટલી હોય—તે સંપૂર્ણપણે મફત જ રહેશે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ કે પરિવારજનો વચ્ચે થતા રોજેરોજના આર્થિક વ્યવહારો પર કોઈ વધારાનો નાણાકીય બોજ નાખવામાં આવશે નહીં.
માત્ર મોટા વેપારી વ્યવહારો (P2M) પર 0.4% નોમિનલ MDR
નવા નિયમ અનુસાર, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માત્ર મોટા મૂલ્યના વેપારી વ્યવહારો (Person-to-Merchant - P2M) પર જ લાગુ કરવામાં આવશે. વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવતા મોટા પેમેન્ટ્સ પર 0.4% જેટલો નજીવો MDR વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ, સાયબર સુરક્ષા અને બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આર્થિક રીતે ટકાઉ બનાવવામાં મદદ મળશે.
સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓને રાહત
સરકારના આ ખુલાસા બાદ સામાન્ય લોકો અને નાના વેપારીઓમાં ફેલાયેલી ચિંતાઓ દૂર થઈ ગઈ છે. રોજિંદા ખર્ચ, ચા-નાસ્તો, કરિયાણું કે સામાન્ય ખરીદી માટે UPIનો ઉપયોગ કરતા કરોડો વપરાશકર્તાઓને આ નિયમથી કોઈ અસર થશે નહીં. સરકારનું પ્રાથમિક લક્ષ્ય ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની સાથે પેમેન્ટ નેટવર્કનું લાંબાગાળાનું સંચાલન સુનિશ્ચિત કરવાનું છે.
રૂ.2,000 સુધી કોઈ ચાર્જ નહીં, ત્યાર બાદ MDR લાગશે
રૂ.2,000 સુધીના યુપીઆઈ પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી રહેશે. રૂ.2,000થી વધુના પેમેન્ટ પર વેપારીઓએ 0.40% MDR ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, રૂ.5,000ના પેમેન્ટ પર વેપારીને રૂ.20 ચાર્જ ચૂકવવો પડશે.
રૂ.75,000 કે તેથી વધુના પેમેન્ટ પર મહત્તમ રૂ.300 ચાર્જ
રૂ.75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે MDRની મહત્તમ મર્યાદા રૂ.300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. એટલે કે રૂ.1 લાખના પેમેન્ટ પર 0.40% પ્રમાણે રૂ.400 થવા છતાં વેપારી પાસેથી માત્ર રૂ.300 જ લેવામાં આવશે.
ગ્રાહકો અને P2P પેમેન્ટ પર કોઈ અસર નહીં
નવા નિયમનો સીધો બોજ ગ્રાહકો પર નહીં આવે. યુપીઆઈથી પેમેન્ટ કરનારા ગ્રાહકો માટે સેવા ફ્રી રહેશે. મિત્રો અથવા પરિવારને પૈસા મોકલતા P2P ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
નાના વેપારીઓને પણ મળશે મોટી છૂટ
યુપીઆઈ QR કોડ દ્વારા દર મહિને રૂ.1 લાખ સુધીનું પેમેન્ટ મેળવતા નાના વેપારીઓને MDRમાંથી છૂટ આપવામાં આવશે. એટલે નાના દુકાનદારો અને વેપારીઓ માટે આ વ્યવસ્થામાં વધારાનો ચાર્જ નહીં આવે.
રેલવે, પેટ્રોલ અને બિલ પેમેન્ટ માટે અલગ નિયમ
રેલવે, ટેલિકોમ સર્વિસ, વીમા અને ઈંધણ જેવા ક્ષેત્રોમાં રૂ.2,000થી વધુના પેમેન્ટ પર 0.40% MDRની જગ્યાએ માત્ર રૂ.5 પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ફ્લેટ ચાર્જ લાગશે.

