UPI યુઝર્સ માટે મોટા સમાચાર: સરકારે અચાનક બદલ્યો નિયમ, Google Pay-PhonePe વાપરતા પહેલાં જાણી લો અસલી સત્ય!

આજના સમયમાં સવારની ₹10ની ચાથી લઈને હજારો રૂપિયાની ખરીદી કરવા માટે આપણે સૌ UPI નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ 14 સપ્ટેમ્બર, 2026 ના રોજ નાણા મંત્રાલય દ્વારા 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007' હેઠળ એક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે વાંચીને એવા સમાચાર અને અફવાઓ ફેલાઈ છે કે ₹2000થી વધુના UPI પેમેન્ટ પર હવે ચાર્જ લાગશે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે અમેરિકાના દબાણ સામે મોદી સરકાર ઝૂકી રહી છે, ₹2000થી વધુના UPI પેમેન્ટ પર લાગી ફી શકે છે. આ સમાચારે સામાન્ય માણસથી લઈને વેપારીઓમાં મૂંઝવણ ઊભી કરી છે. ચાલો, કોઈપણ અફવા પર વિશ્વાસ કર્યા વિના સરકારના નવા નિયમો અને તેની પાછળનું સત્ય સમજીએ.
નવો નિયમ ખરેખર શું છે?
સરકારના નવા જાહેરનામા મુજબ, હવે માત્ર બે જ પ્રકારની ડિજિટલ ચુકવણીઓ પર કોઈ ચાર્જ વસૂલી શકાશે નહીં.
RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીઓ.
₹2000 સુધીના UPI વ્યવહારો.
જેનો સીધો અર્થ એ છે કે ₹2000 થી વધુની UPI ચુકવણીઓ હવે ‘ફ્રી’ (મફત) હોવાના કાનૂની સુરક્ષા કવચની બહાર આવી ગઈ છે. આની શરૂઆત ઓગસ્ટ 2026 માં સંસદમાં પસાર થયેલા 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2026' થી થઈ હતી, જેણે 2007ના કાયદામાં સુધારો કરીને સરકારને ડિજિટલ પેમેન્ટ પર ફી લાદવાની કે હટાવવાની સત્તા આપી છે.
શું તમારા બેંક ખાતામાંથી પૈસા કપાશે?
સૌથી મોટો અને મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું ગ્રાહકે આ ચાર્જ ચૂકવવો પડશે? નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો પાસેથી UPI ચુકવણી માટે કોઈ ચાર્જ લેવાશે નહીં. આ ઉપરાંત P2P (એક વ્યક્તિથી બીજી વ્યક્તિને) નાણાં મોકલવા સંપૂર્ણપણે મફત જ રહેશે. આખી બાબતને બે ઉદાહરણથી સમજીએ.
ઉદાહરણ 1 (નાની ખરીદી): કરિયાણાની દુકાનમાં એક જ દિવસમાં તમે ૩ વાર ખરીદી કરી. પહેલાં ₹750, પછી ₹1400 અને છેલ્લે ₹1950 નું પેમેન્ટ કર્યું. આ ત્રણેય વ્યવહારો ₹2000 થી ઓછા છે. આથી તમારો કે દુકાનદારનો એક પણ રૂપિયો કપાશે નહીં.
ઉદાહરણ 2 (મોટી ખરીદી): તમે સાડીના શોરૂમમાંથી ₹5000 ની સાડી ખરીદી અને UPI થી પેમેન્ટ કર્યું. આ રકમ ₹2000 થી વધુ હોવા છતાં અત્યારે તમારા કે શોરૂમના માલિક પાસેથી કોઈ ફી લેવાશે નહીં. કારણ કે સરકારે માત્ર કાનૂની માર્ગ ખોલ્યો છે, હજુ સુધી ફી કેટલી લેવી તે NPCI (National Payments Corporation of India) સમિતિએ નક્કી કર્યું નથી.
ટૂંકમાં, આજે તમે ₹5000 કે ₹10000 નું પેમેન્ટ કરો તો પણ તમારા ખાતામાંથી કોઈ ચાર્જ કપાશે નહીં.
₹2000ની મર્યાદા શા માટે પસંદ કરવામાં આવી?
મોટાભાગના ભારતીયો દૈનિક જીવનમાં કરિયાણું, શાકભાજી, ચા કે રિક્ષા ભાડા પાછળ ₹2000થી ઓછો જ ખર્ચ કરે છે. સરકારનો હેતુ એ છે કે સામાન્ય માણસના રોજિંદા વ્યવહારો પર કોઈ અસર ન પડે અને તેમને ઈ-સુરક્ષા મળતી રહે.
સરકાર શા માટે આ ફેરફાર લાવી રહી છે?
UPI 11 દેશોમાં કાર્યરત વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. ઓગસ્ટ 2026 ના આંકડા મુજબ, એક જ મહિનામાં UPI ના 2451 કરોડ વ્યવહારો થયા, જેનું મૂલ્ય ₹29.82 લાખ કરોડ હતું. દરરોજ સરેરાશ 79 કરોડ UPI લેણદેણ થાય છે. આટલી મોટી સિસ્ટમ ચલાવવા, સાયબર સુરક્ષા જાળવવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પેમેન્ટ કંપનીઓને દર વર્ષે અંદાજે ₹20700 કરોડનો ખર્ચ થાય છે. તેની સામે સરકાર સબસિડી પેટે માત્ર ₹2000 કરોડ આપે છે. સિસ્ટમને ભવિષ્યમાં મજબૂત અને ટકાઉ બનાવવા માટે માત્ર સબસિડી પર નિર્ભર રહેવું યોગ્ય નથી, તેથી ફી લાગુ કરવાનો વિચાર થઈ રહ્યો છે.
જો ફી લાગુ થશે તો કોણ ચૂકવશે?
જો ભવિષ્યમાં ફી લાગુ થશે, તો તે ગ્રાહક પર નહીં પરંતુ પેમેન્ટ સ્વીકારનાર વેપારી પર 'MDR' (Merchant Discount Rate) તરીકે લાગુ થશે.
આ ફી કોને લાગશે?: આ નિયમ દરેક નાના વેપારીને લાગુ નહીં પડે. જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર ₹1-1.5 કરોડથી વધુ છે તેમને જ ₹2000 થી વધુના પેમેન્ટ પર આ ફી લાગી શકે છે.
ફી કેટલી હોઈ શકે?: ઉદ્યોગના નિષ્ણાતોના મત અનુસાર, NPCI ની સમિતિ 40 બેસિસ પોઈન્ટ (0.4%) ના દર પર વિચાર કરી રહી છે. (કેટલાક અહેવાલો 0.25% થી 0.40% અથવા 0.05% થી 0.07% પણ દર્શાવે છે).
ફી ની વહેંચણી: જો 0.4% ફી નક્કી થાય, તો તેમાંથી 40% (16 બેસિસ પોઈન્ટ) ગ્રાહકની બેંકને, 30% (12 બેસિસ પોઈન્ટ) ફોનપે/ગુગલ પે જેવી એપને અને 30% વેપારીની બેંકને મળી શકે છે. જેફરીઝના અંદાજ મુજબ આનાથી પેમેન્ટ ઈન્ડસ્ટ્રીને વાર્ષિક ₹5000 કરોડથી ₹10000 કરોડની આવક થઈ શકે છે.
કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથે લીધી, ભાજપે બચાવ કર્યો
આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ એવો દાવો કર્યો હતો કે સરકાર 0.5% લેખે ₹5000ના પેમેન્ટ પર ₹25 અને ₹10000 ના પેમેન્ટ પર ₹50 ફી વસૂલીને ગ્રાહકો પર આર્થિક બોજ વધારવા લઈ રહી છે. આ દાવાને ભાજપના નેતા અમિત માલવિયાએ સદંતર ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક કાલ્પનિક ગણતરી છે અને સરકાર દ્વારા ગ્રાહકો પર આવો કોઈ 0.5% ટેક્સ લાદવામાં આવ્યો નથી. MDR એ કોઈ ગ્રાહક ટેક્સ નથી, પરંતુ બેંકો અને વેપારી વચ્ચેની સિસ્ટમ ફી છે.
નવા નિયમમાં કઈ બાબતો હજુ પણ અસ્પષ્ટ છે?
સરકારના આ જાહેરનામામાં હજુ 4 બાબતો સ્પષ્ટ નથી.
આ નિયમ કઈ તારીખથી લાગુ થશે તેનો કોઈ ઉલ્લેખ નથી.
2019 નું જૂનું જાહેરનામું રદ કરવા અંગે સીધી કોઈ વાત કરવામાં આવી નથી.
વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) અને વ્યક્તિ-થી-વેપારી (P2M) વ્યવહારોનો અલગથી ઉલ્લેખ નથી.
2019 ના નિયમમાં 'BHIM UPI QR કોડ' માટે અલગ ઉલ્લેખ હતો, જે આ વખતે નથી.
સામાન્ય માણસ પર ભવિષ્યમાં શું અસર પડશે?
હાલ પૂરતું, તમારા UPI ના ઉપયોગમાં કોઈ જ ફેરફાર થયો નથી. તમે નિશ્ચિંત થઈને પેમેન્ટ કરી શકો છો. જોકે, એક જ ચિંતાનો વિષય એ છે કે ભવિષ્યમાં જ્યારે મોટા શોરૂમ કે મોટા રિટેલર્સ પર MDR લાગુ થશે, ત્યારે શું તેઓ આ ફીનો બોજ પોતાની વસ્તુઓના ભાવ વધારીને પરોક્ષ રીતે ગ્રાહકો પર નાખશે? જો આવું થાય તો થોડી મોંઘવારી વધી શકે છે. જોકે સરકારનો દાવો છે કે આ દર એટલો ન્યૂનતમ હશે કે તેની ચીજવસ્તુઓની કિંમતો પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. અત્યારે તો આપણે NPCI સમિતિના અંતિમ નિર્ણયની જ રાહ જોવાની રહે છે.

