VIDEO: બેન્ક કર્મચારીઓની હડતાળથી ગુજરાતમાં 15 હજાર કરોડના વ્યવહારોને અસર
દેશભરમાં આજે 11 સપ્ટેમ્બરે બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા દેશવ્યાપી હડતાળ (Bank Strike) અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ હડતાળની વ્યાપક અસર જોવા મળી છે. અમદાવાદમાં બેન્ક કર્મચારીઓએ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. ‘મોદી તેરી તાનાશાહી નહીં ચાલે’, ‘મજૂર એકતા ઝિંદાબાદ’ સહિતના સૂત્રો સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અઠવાડિયામાં પાંચ દિવસનું કામકાજ, સમાન પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) અને IDBI બેન્કના ખાનગીકરણને રોકવા સહિતની માંગણીઓને લઈને ગુજરાતના આશરે 75,000 બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા છે. હડતાળને કારણે રાજ્યમાં અંદાજે રૂ.15,000 કરોડના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
બેન્ક યુનિયનોની સરકારને ચીમકી
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU)ના નેજા હેઠળ દેશભરના આશરે 7.5 લાખથી વધુ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા છે. જેના કારણે અનેક સ્થળોએ બેન્કિંગ સેવાઓ અને દૈનિક કામગીરી પર અસર પડી છે. બેન્ક યુનિયનોએ સરકારને ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આગામી 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય હડતાળ કરવામાં આવશે. ત્યારબાદ ઓક્ટોબર મહિનાથી અચોક્કસ મુદતની હડતાળ (Indefinite Strike)નું એલાન કરવામાં આવશે.
અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજની મુખ્ય માંગ
મહાગુજારાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે, UFBU સાથે જોડાયેલા વિવિધ બેન્ક સંગઠનોના કર્મચારીઓ લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓની મુખ્ય માંગ છે કે LIC અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોની જેમ બેન્કોમાં પણ અઠવાડિયામાં પાંચ દિવસનું કામકાજ (5-Day Banking) અમલી બનાવવામાં આવે. આ માટે કર્મચારીઓ દરરોજ વધારાના 40 મિનિટ કામ કરવા પણ તૈયાર હોવાનું યુનિયનનું કહેવું છે. સરકાર અને બેન્ક સંગઠનો વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)ને લાંબો સમય વીતી ગયો હોવા છતાં તેનો યોગ્ય અમલ થયો નથી.
આ ઉપરાંત પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI)ની ફાળવણીમાં નીચલા સ્તરના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે રહેલી અસમાનતા દૂર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ IDBI બેન્કના ખાનગીકરણને અટકાવવા અને અન્ય સેવાકીય પ્રશ્નોનો નિકાલ કરવાની પણ માંગ છે.
ગુજરાતમાં 54 બેન્કોના કામકાજને અસર
ગુજરાતમાં આશરે 54 બેન્કોની શાખાઓના કર્મચારીઓ હડતાળમાં જોડાતા બેન્કોની વહીવટી કામગીરી ઉપરાંત ક્લિયરિંગ હાઉસ (Clearing House)ની પ્રક્રિયાને પણ અસર પહોંચી છે. યુનિયનના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, કેન્દ્રીય નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે વિવિધ તબક્કે બેઠકો યોજાઈ હોવા છતાં હજુ સુધી માંગણીઓ અંગે કોઈ સાનુકૂળ ઉકેલ આવ્યો નથી. યુનિયનોએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર દ્વારા વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

