BANK JOB / IBPS ક્લાર્કની ભરતી માટે લંબાવવામાં આવી છેલ્લી તારીખ, હવે આ દિવસ સુધી ભરી શકશો ફોર્મ

બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગતા ગ્રેજ્યુએટ માટે આ એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે. IBPS ક્લાર્ક (કસ્ટમર સર્વિસ એસોસિયેટ/XVI) ભરતી 2026 માટે અરજી કરવાની અંતિમ તારીખ, જે મૂળ 21 ઓગસ્ટ માટે નિર્ધારિત હતી, હવે 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. જે લોકો અંતિમ તારીખ સુધીમાં અરજી ફોર્મ નહતા ભરી શક્યા તેઓએ શક્ય તેટલી વહેલી તકે ઓનલાઈન અરજી કરવી જોઈએ. અરજી સબમિટ કર્યા પછી, 12 સપ્ટેમ્બર સુધી પ્રિન્ટ કાઢી શકાય છે.
આ તારીખ સુધી ફોર્મ સુધારવાની તક
IBPS દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર, અરજી કરેકશન વિન્ડો અરજીની અંતિમ તારીખ પછી બે દિવસ સુધી ખુલ્લી રહેશે. જે ઉમેદવારોએ કોઈપણ ભૂલ કરી છે તેઓ 30 ઓગસ્ટ સુધી તેમની અરજી સુધારી શકશે.
અરજી ફી
આ ભરતી માટે, અરજી ફોર્મ સાથે નિયત અરજી ફી સબમિટ કરવી ફરજિયાત છે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 850 રૂપિયાછે, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી 175 રૂપિયા છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા સત્તાવાર પોર્ટલ ibpsreg.ibps.in/csaxvijul26 ની મુલાકાત લો.
- વેબસાઇટના હોમ પેજ પર "નવા રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો" લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન પછી અન્ય વિગતો સહી અને ફોટોગ્રાફ અપલોડ કરો.
- પછી કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
- ફી ચૂકવ્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.
ભરતીમાં ભાગ લેવા માટેની પાત્રતા
માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી જરૂરી છે. ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનમાં વિગતવાર જણાવ્યા મુજબ, પદ માટે અન્ય પાત્રતા માપદંડો પણ પૂર્ણ કરવા આવશ્યક છે. શૈક્ષણિક લાયકાત ઉપરાંત, ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમર ગણતરી 1 ઓગસ્ટ, 2026 ના રોજ કરવામાં આવશે.
ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે
IBPSએ આ ભરતી માટેની તારીખો પણ જાહેર કરી છે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટેની પ્રિલિમ્સ પરીક્ષા 10 અને 11 ઓક્ટોબર, 2026ના રોજ લેવામાં આવશે. પરીક્ષાના એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવશે.
ભરતી વિગતો
દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 11,403 જગ્યાઓ ભરવામાં આવશે. કેટેગરી પ્રમાણે, 4,740 જગ્યાઓ બિનઅનામત કેટેગરી માટે, 1,910 SC માટે, 942 ST માટે, 2,815 OBC (NCL) માટે અને 996 EWS માટે અનામત છે.

