JEE Mains 2027 સેશન 1 માટે ખુલી કરેક્શન વિન્ડો, આ વિગતોમાં કરી શકો છો ફેરફાર

NTAએ JEE મેઈન્સ 2027 સેશન 1 માટે અરજી ફોર્મ કરેક્શન વિન્ડો ખોલી છે, 27 નવેમ્બરથી શરૂ થઈ છે. 26 નવેમ્બરના રોજ લેટ ફી સાથે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે ઉમેદવારોએ સફળતાપૂર્વક તેમના અરજી ફોર્મ પૂર્ણ કર્યા છે તેઓ 29 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:50 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી ફોર્મમાં સુધારો કરી શકે છે. માહિતી અનુસાર, આ વખતે સેશન 1 માટે મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ છે.
આ વખતે 15 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને 13 લાખથી વધુ ઉમેદવારો દ્વારા ફી ચૂકવવામાં આવી છે. NTAએ સ્પષ્ટતા કરી છે કે અરજી કરેક્શન વિન્ડો ફક્ત એક જ વાર ઉપલબ્ધ થશે અને સમયમર્યાદા પછી ફેરફારો માટે કોઈ વિનંતીઓ સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં, જો કોઈ ઉમેદવારે ભૂલને કારણે બીજી અરજી સબમિટ કરી હોય અને બંને માટે ફી ચૂકવી હોય, તો બીજી અરજીને અંતિમ ગણવામાં આવશે.
કઈ માહિતી સુધારી શકાય છે?
NTA નિયમો અને પોર્ટલ પર ઉપલબ્ધ વિકલ્પો અનુસાર, ઉમેદવારો ચોક્કસ વિગતો બદલી શકશે. જેમાં ઉમેદવારનું નામ, પિતાનું નામ અથવા માતાનું નામ આ ત્રણમાંથી ફક્ત એક જ બદલી શકાય છે. આધાર વેરિફાઈડ ઉમેદવારો માટે નામ, જન્મ તારીખ અથવા લિંગ જેવી કેટલીક વિગતો લોક રહી શકે છે. વધુમાં, ધોરણ 10 અને 12 પાસ થવાનું વર્ષ, બોર્ડ વિગતો, માર્ક્સ અને રોલ નંબર, પાત્રતા રાજ્ય કોડ, પરીક્ષા શહેર, પરીક્ષા માધ્યમ, સહી, પેપર અને આધાર સંબંધિત માહિતીમાં ફેરફાર કરી શકાય છે.
કઈ માહિતી બદલી શકાતી નથી?
અરજી ફોર્મમાં નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ નહીં બદલાવી શકાય. વર્તમાન અને કાયમી સરનામા પણ નહીં બદલાવી શકાય. ઈમરજન્સી કોન્ટેક્ટ વિગતો પણ નથી બદલી શકાતી અને પરીક્ષા શહેર માટે પસંદ કરાયેલ ઉમેદવારનો ફોટો અને રાજ્ય નથી બદલી શકાતું.
ક્યારે ફેરફારો કરી શકાય છે?
સેશન 1 કરેક્શન વિન્ડો 27 નવેમ્બર, 2026થી 29 નવેમ્બર, 11:50 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. NTA કરેક્શન વિન્ડો ખોલવા માટે કોઈ મૂળભૂત ફી નથી વસૂલતું. જોકે, જો પરીક્ષા ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે, જેમ કે કોઈ શ્રેણી બદલવી અથવા વધારાનું પેપર ઉમેરવું, તો ઉમેદવારોએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા વધારાની ફી ચૂકવવાની રહેશે.
અરજી ફોર્મ કેવી રીતે સુધારવું?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in ની મુલાકાત લો.
- હવે હોમ પેજ પર JEE મેઈન્સ 2027 સેશન 1 એપ્લિકેશન કરેક્શન લિંક પર ક્લિક કરો.
- તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
- ઓન-સ્ક્રીન સૂચનાઓ વાંચો અને એપ્લિકેશન ફોર્મ ખોલો.
- આ પછી જરૂરી ફેરફારો કરી લો.
- જો લાગુ પડે તો કોઈપણ વધારાની ફી ચૂકવો.
- બધી વિગતો તપાસો, સબમિટ કરો અને સુધારેલા કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.








