VIDEO: EVENING BULLETIN / UPI પર ચાર્જનો વિવાદ, બનાસકાંઠા કૉંગ્રેસમાં આંતરિક ડખો, દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા ચૂક
સીરિયામાં ડીઝલના ભાવ વધ્યા
સીરિયામાં ડીઝલના ભાવમાં એકઝાટકે 40%નો તોતિંગ વધારો ઝીંકાયો છે. ₹127 પ્રતિ લિટરે પહોંચેલા ભાવ સામે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને મુખ્ય હાઇવે બ્લોક કરી ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
AI મુદ્દે ટ્રમ્પનો પ્રહાર
AIથી માનવતા ખતમ થવાના દાવાઓને ડોનાલ્ડ ટ્રમ્પે સદંતર ઢોંગ ગણાવ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે AI પર નિયંત્રણો મૂકવાનું આ એક ષડયંત્ર છે, અને આવા પ્રતિબંધોથી માત્ર ચીનને મોટો ફાયદો થશે.
UPI પર ચાર્જનો વિવાદ
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ફીને લઈને રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી અને ખડગેએ આરોપ લગાવ્યો છે કે સરકારે અમેરિકી કંપનીઓના દબાણમાં આવીને ₹2,000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાનો રસ્તો ખોલી સામાન્ય જનતા પર બોજ નાખ્યો છે.
દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા ચૂક
દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર મોટી સુરક્ષા ક્ષતિ સામે આવી છે. અમૃતસરથી દિલ્હી પહોંચેલા 3 ઇટાલિયન નાગરિકો ઇમિગ્રેશન વગર જ સીધા મ્યુનિક પહોંચી જતાં ગૃહ મંત્રાલયે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી તપાસ શરૂ કરી છે.
કચ્છના માંડવીમાં જળબંબાકાર
કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. માંડવી પંથકમાં સવારે માત્ર 2 કલાકમાં 5 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી ભરાઈ ગયા છે અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે.
બનાસકાંઠા કૉંગ્રેસમાં આંતરિક ડખો
બનાસકાંઠા કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમિત ચાવડાએ જિલ્લા નિમણૂકો રદ કરતાં ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે કેટલાક નેતાઓ ભાજપ સાથે સોદાબાજી કરી ગેનીબેન ઠાકોર સામે ષડયંત્ર રચી રહ્યા છે.

