VIDEO: EVENING BULLETIN / ચીન અને ફિલીપીન્સ વચ્ચે તણાવ, એફિલ ટાવર વિવાદ પર અભિજીત દીપકેના આકરા પ્રહાર, વંદે માતરમ મુદ્દે ખેડાવાલા વિવાદમાં
ચીન અને ફિલીપીન્સ વચ્ચે તણાવ
દક્ષિણ કોરિયામાં યોજાયેલા સિયોલ ડિફેન્સ ડાયલોગમાં ફિલીપીન્સના રક્ષા સચિવના ભાષણ દરમિયાન ટેબલ પર ચીન તરફથી ચિઠ્ઠી મૂકાતાં હંગામો મચી ગયો છે. ફિલીપીન્સે આ ઘટનાને મંચ પર જાહેરમાં વાંચી સંભળાવી ચીનની ખુલ્લી દાદાગીરી અને આંતરરાષ્ટ્રીય અનાદર ગણાવ્યો છે.
એફિલ ટાવર વિવાદ પર અભિજીત દીપકેના આકરા પ્રહાર
પેરિસના એફિલ ટાવર પર મહિલા કર્મચારીઓને હટાવવાના વિવાદ મુદ્દે CJPના સંસ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ધર્મ અને આસ્થાના બહાને મહિલાઓની આઝાદી પર તરાપ મારનારા લોકો દેશ અને ધર્મની છબી ખરડી રહ્યા છે.
ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી અંગે ભાજપમાં જ વિરોધાભાસ
મહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબામાં મુસ્લિમોના પ્રવેશ મુદ્દે વિવાદ વકર્યો છે. VHPની પ્રવેશબંધીની માગને ભાજપ નેતા નિતેશ રાણેએ ટેકો આપ્યો છે, તો સામે પક્ષે અમૃતા ફડણવીસે તમામ ધર્મના લોકોના પ્રવેશનું ખુલ્લેઆમ સમર્થન કરતાં ભાજપમાં જ બે ભાગલા જોવા મળી રહ્યા છે.
વંદે માતરમ મુદ્દે ખેડાવાલા વિવાદમાં
ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રની શરૂઆતમાં જ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર 'વંદે માતરમ'નું અપમાન કરવાનો ગંભીર આરોપ મૂકી ભાજપે આકરા પ્રહારો કર્યા છે અને આ મુદ્દે કોંગ્રેસ પાસેથી તત્કાલ સ્પષ્ટતા માગી છે.
રાજ્યમાં ગ્રામસેવકોનું આંદોલન શરૂ
પડતર માગણીઓ મુદ્દે સરકાર તરફથી કોઈ ઉકેલ ન આવતાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે રાજ્યવ્યાપી આંદોલન છેડ્યું છે. સાણંદ સહિત રાજ્યભરમાં ગ્રામસેવકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો છે, જ્યારે તબક્કાવાર વિરોધ બાદ ૨જી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી છે.
૨૦૨૭માં પરિવર્તનનો કોંગ્રેસનો દાવો
મોંઘવારી અને પેપર લીક જેવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણી માટે ડોર-ટુ-ડોર સંપર્ક કરવાની જાહેરાત સાથે તેમણે દાવો કર્યો કે માંજલપુરમાં વોટ શેર વધ્યો છે અને ૨૦૨૭માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે.

