VIDEO: EVENING BULLETIN / વિશ્વના નવા નકશાને ભારતનો ટેકો, 1 ડોલરના સિક્કા પર ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો, રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસીય હડતાળ
વિશ્વના નવા નકશાને ભારતનો ટેકો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વના સાચા ક્ષેત્રફળ દર્શાવતા નવા નકશાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ભારતે આ પ્રસ્તાવને ટેકો આપવા સાથે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખનું નિરૂપણ ભારતના સત્તાવાર નકશા મુજબ જ થવું જોઈએ, કોઈ ભ્રામક ચિત્રણ ચલાવી લેવાશે નહીં.
હવે 1 ડોલરના સિક્કા પર ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો
અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે યુએસ મિન્ટ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર ધરાવતો 1 ડૉલરનો ખાસ સિક્કો જાહેર કરાયો છે. આ સિક્કો સામાન્ય લેવડદેવડ માટે નહીં, પરંતુ માત્ર યાદગીરી અને કલેક્શનના હેતુથી બહાર પાડવામાં આવ્યો છે.
અમેરિકાની ઈરાનને કડક ચેતવણી
હોર્મુઝની ખાડીમાં તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે જો ઈરાન અમેરિકી નૌકાદળના જહાજો પર હુમલો કરશે, તો અમેરિકા ઈરાનના તમામ ઓઈલ ટેન્કરોને નષ્ટ કરીને સમુદ્રમાં ડુબાડી દેશે.
દિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી
દક્ષિણ પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા વચ્ચે ફાયર બ્રિગેડ અને સ્થાનિક ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસીય હડતાળ
યોગ્ય ભાડું, ટેક્સી સ્ટેન્ડ અને ખાનગી બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધ જેવી માંગણીઓ સાથે 7થી 10 તારીખ સુધી દોઢ લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરશે. જોકે, વિદ્યાર્થીઓની સુવિધા માટે સ્કૂલ વર્ધી વાહનોને આ હડતાળમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે
મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ
વડોદરાના માંજલપુરમાં ગેસ, પેટ્રોલ અને અનાજના વધતા ભાવો સામે કોંગ્રેસે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પાટીદાર ચાર રસ્તા ખાતે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, ત્યારબાદ પોલીસે શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 10થી વધુ આગેવાનોની અટકાયત કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

