VIDEO: EVENING BULLETIN / PM મોદી-ઈરાનના પ્રમુખ વચ્ચે બેઠક, ન્યૂયોર્કમાં તિરંગાનું અપમાન, ભાયલી ગેંગરેપ કેસમાં તમામ દોષિતોને આજીવન કેદ
PM મોદી-ઈરાનના પ્રમુખ વચ્ચે બેઠક
બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી.
ન્યૂયોર્કમાં ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાનું અપમાન
ન્યૂયોર્કમાં RSSના કાર્યક્રમ બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા તિરંગાનું અપમાન કરાતાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સખત વાંધો ઉઠાવ્યો છે. રિજિજુએ સ્પષ્ટ ચેતવણી આપી કે દેશ અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓને આ ભૂલ ખૂબ ભારે પડશે.
UPના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થતાં 7થી વધુના મોત નીપજ્યાં છે. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રયાગરાજની SRN હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા છે.
CJPની માર્ચ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી માર્ચ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે અને તંત્ર નિયમ મુજબ કામ કરશે.
ભાયલી ગેંગરેપ કેસમાં તમામ દોષિતોને આજીવન કેદ
વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે તમામ 5 દોષિતોને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. વડોદરામાં એકસાથે પાંચ દોષિતોને આકરી સજાનો આ પ્રથમ કિસ્સો છે.
સુરેન્દ્રનગર AAPમાં ભડકો
સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીમાં હોદ્દાઓની ખેંચતાણને લઈને મોટું ભંગાણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંદરોઅંદર વિવાદ વકરતાં સ્થાનિક અને પ્રદેશ નેતાઓ ફોન સ્વીચઓફ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, જેને પગલે પક્ષમાં ભારે ખળભળાટ મચ્યો છે.

