VIDEO: EVENING BULLETIN / ઈસ્તાંબુલના દરિયામાં બે તુર્કી જહાજો અથડાયા, OBC ક્રીમીલેયર અંગે કેન્દ્રને ઝટકો
ઈસ્તાંબુલના દરિયામાં બે તુર્કી જહાજો અથડાયા
તુર્કીના ઈસ્તાંબુલ નજીક મારમારા સમુદ્રમાં બે વિશાળ કોમર્શિયલ કાર્ગો જહાજો વચ્ચે વહેલી સવારે જોરદાર ટક્કર થઈ હતી. સિલિવરી વિસ્તાર નજીક બનેલી આ ભયાનક દુર્ઘટના બાદ એક જહાજના 10 ક્રૂ મેમ્બર્સ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેથી તંત્ર દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
OBC ક્રીમીલેયર અંગે કેન્દ્રને ઝટકો
ઓબીસી ક્રીમીલેયર અનામત મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. અદાલતે પોતાના અગાઉના આદેશ પર રોક લગાવવાની કેન્દ્રની માગણી સદંતર ફગાવી દીધી છે અને કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરીને તમામ પક્ષકારોને આગામી 17 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
નેપાળ પૂરમાં રેસ્ક્યૂ પર સવાલ
નેપાળમાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ત્રિશૂલી-3A હાઇડ્રોપાવર સ્ટેશનમાં છેલ્લા છ દિવસથી નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના 40 કર્મચારીઓ ફસાયેલા છે. સરકાર દ્વારા ચાલી રહેલા ધીમા રાહત અને બચાવ કાર્ય સામે ફસાયેલા એન્જિનિયરના પરિવારે ‘આ રેસ્ક્યૂ છે કે મજાક?’ કહી ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
CPI નેતાનું પીએમ મોદી પર વિવાદાસ્પદ નિવેદન
સીપીઆઈના રાષ્ટ્રીય મહાસચિવ અમરજીત કૌરે દિલ્હીમાં એક રેલી દરમિયાન પીએમ મોદી સામે વિવાદાસ્પદ નિવેદન આપી સીધી ધમકી ઉચ્ચારી છે. મોદી દ્વારા કમ્યુનિસ્ટો અને લાલ ઝંડા અંગે ભૂતકાળમાં કરાયેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરી તેમણે આ પ્રહાર કર્યો હતો, જેને પગલે હવે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે.
જીવાણા દૂધ મંડળીની સભામાં ઉગ્ર હોબાળો
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવાણા ગામે આવેલી દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા અખાડામાં ફેરવાઈ ગઈ. સભા દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો બિચક્યો કે સભાસદો વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. સભામાં થયેલી આ ધીંગાણાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
દાહોદની શાળામાં બોગસ હાજરીનું કૌભાંડ
દાહોદના ફતેપુરાની સલરા ઉત્તર બુનિયાદી શાળામાં ૧૩૬ વિદ્યાર્થીઓના નામાંકન સામે વાસ્તવમાં શૂન્ય હાજરી હોવાનો પર્દાફાશ થયો છે. તપાસમાં નજીકની શાળામાંથી ૨૭ બાળકો લાવીને બોગસ હાજરી બતાવવાનો પ્રયાસ પકડાતાં શિક્ષણ વિભાગે આચાર્ય અને સ્ટાફ સહિત ચાર શિક્ષકો સામે કારણદર્શક નોટિસ ફટકારી છે.

