VIDEO: EVENING BULLETIN / ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ અટકવાની ભીતિ, રાજકોટ લોકમેળામાં પ્રાઇવેટ સિક્યુરિટીની ગુંડાગીરી
પાકિસ્તાનના દોસ્ત તૂર્કિયેનો ભારત તરફ યુ-ટર્ન
ભૂતકાળમાં પાકિસ્તાનને સાથ આપનાર તૂર્કિયે હવે ભારત સાથે સંબંધો સુધારવા ઉત્સુક બન્યું છે. તૂર્કિયેના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે કે ભારત સાથે કોઈ સીમા વિવાદ કે નકારાત્મક ઇતિહાસ નથી, તેથી પાકિસ્તાન સાથે મિત્રતા છતાં બંને દેશો મતભેદો ભૂલાવીને નવા સકારાત્મક સંબંધો બનાવી શકે છે.
ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ અટકવાની ભીતિ
અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે ચિંતાજનક સમાચાર છે. ભારતીયોની ભારે માંગને પગલે વાર્ષિક ક્વોટા પૂર્ણ થવાના આરે હોવાથી, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ૩૦ સપ્ટેમ્બર પહેલાં જ 'EB-1' ગ્રીન કાર્ડ કેટેગરી કામચલાઉ ધોરણે 'અનઅવેલેબલ' જાહેર કરવાની ચેતવણી આપી છે.
રાઘવ ચઢ્ઢાના વોટ પર પંજાબમાં રાજકીય ઘમાસાણ
પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના નામ સામે 'Shifted' લખાતાં નવો વિવાદ છેડાયો છે. રાઘવ ચઢ્ઢાએ સરકાર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે, તો સામે પક્ષે પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરાએ પણ વળતો આકરો પ્રહાર કર્યો છે.
બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં 'વચન' છે: સુપ્રીમ કોર્ટ
ફ્લેટ કે મકાન ખરીદનારાઓ માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બિલ્ડરોને કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે સેલ્સ બ્રોશરમાં દર્શાવેલી લક્ઝુરિયસ સુવિધાઓ માત્ર માર્કેટિંગ નથી પણ ખરીદદારને આપેલું વચન છે, જેમાંથી બિલ્ડરો હાથ ખંખેરી શકે નહીં.
વડોદરાના સાવલીમાં મનરેગામાં કરોડોનું કૌભાંડ
વડોદરાના સાવલી તાલુકાના રાનીપુરા ગામે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ સરપંચ અને મળતિયાઓએ ૩૭૪ જોબ કાર્ડમાં બીજાના ફોટા ચોંટાડી તેમજ નોકરિયાતોના નામે બોગસ કાર્ડ બનાવી સરકારી નાણાં ચાંઉ કર્યા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.
રાજકોટ લોકમેળામાં પ્રાઇવેટ સિક્યુરિટીની ગુંડાગીરી
રાજકોટના લોકમેળામાં સુરક્ષા સંભાળતી પ્રાઇવેટ એજન્સીની ગુંડાગીરીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સિક્યુરિટી ઇન્ચાર્જ જીતેન્દ્રસિંહ પરિહાર રસ્તા પર સામાન વેચતા ગરીબ ધંધાર્થીઓ પર લાકડીઓ વરસાવતો અને સામાનની તોડફોડ કરતો જોવા મળતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

