VIDEO: EVENING BULLETIN / હવે અમેરિકામાં મફત રેવડી કલ્ચર, મુંબઈ-ગોવા હાઈવેના ઉદઘાટનમાં નહીં જઉં: નીતિન ગડકરી, અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ થ્રેટ
હવે અમેરિકામાં મફત રેવડી કલ્ચર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિકોને $૫,૦૦૦નું ડિવિડન્ડ આપવાનું વચન આપતાં હવે અમેરિકામાં પણ 'મફત રેવડી' કલ્ચરની ચર્ચા તેજ બની છે. બીજી તરફ, તેમણે ઈરાન યુદ્ધના કારણે મિડટર્મ ચૂંટણી સુધી ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરતાં આર્થિક ચિંતા વધી છે.
મેડ-ઇન-ચાઇનાના હથિયારોની ફરી પોલ ખુલી?
મેડ-ઇન-ચાઇના' સૈન્ય સાધનોની ગુણવત્તા પર ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. બાંગ્લાદેશના ચટગાંવમાં લાઇવ-ફાયર અભ્યાસ દરમિયાન ચીની બનાવટની Type-59 ટેન્કમાં અચાનક વિસ્ફોટ થતાં ૨ જવાનો શહીદ થયા છે અને ૧ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે.
મુંબઈ-ગોવા હાઈવેના ઉદઘાટનમાં નહીં જઉં: નીતિન ગડકરી
પ્રોજેક્ટમાં અતિશય વિલંબ બદલ મને શરમ આવે છે, એટલે હું ઉદ્ઘાટનમાં નહીં જાઉં." કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેના નિર્માણમાં થયેલા વર્ષોના વિલંબ પર જાહેરમાં ઊંડો ખેદ વ્યક્ત કરીને આ હાઈવેના લોકાર્પણ સમારોહથી દૂર રહેવાની મોટી જાહેરાત કરી છે.
હવે ભારતમાં બાળકોને સોશિયલ મીડિયા વાપરતા રોકાશે?
બાળકોમાં સોશિયલ મીડિયાના વધતા વળગણ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોના ડિજિટલ ઉપયોગ પર કડક સુરક્ષા ધોરણો અને માતા-પિતાની અનિવાર્ય મંજૂરી અંગે દાખલ થયેલી એનજીઓની અરજી પર સર્વોચ્ચ અદાલતે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ થ્રેટ
અમદાવાદની ડીપીએસ, ઉદગમ અને ઝાયડસ સ્કૂલ સહિત ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં ભારે દોડધામ મચી ગઈ. સલામતીના પગલારૂપે શાળાઓ તાત્કાલિક ખાલી કરાવી રજા આપી દેવાઈ હતી, જ્યારે બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડે સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
વિધાનસભામાં કોંગ્રેસનો હંગામો
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ભારે ગરમાવો જોવા મળ્યો. રાજ્યમાં કથળતી કાયદો-વ્યવસ્થા, દારૂબંધીની કડક અમલવારીમાં નિષ્ફળતા અને લઠ્ઠાકાંડ જેવા ગંભીર મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું.

